મુંબઇ
એક્ટ્રેસ દિવ્યા ભટનાગરના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. કોરોનાના કારણે આજે સવારે તેનું નિધન થયું.
દિવ્યા ભટનાગર કોરોના પોઝિટિવ હતી અને છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતી. દિવ્યાએ 22મી ડિસેમ્બર, 2019ના દિવસે બોયફ્રેન્ડ ગગન સાથે લગ્ન કર્યા હતા. લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરે તે પહેલા તે મૃત્યુ પામી.
લગ્ન કરતાં પહેલા દિવ્યા અને ગગને એકબીજા સાથે પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તેમણે મુંબઈના ગુરુદ્ધારામાં લગ્ન કર્યા હતા. દિવ્યાએ આ લગ્ન પરિવારના વિરુદ્ધમાં જઈને કર્યા હતા, તેથી લગ્નમાં તેના પરિવારજનો સામેલ થયા નહોતા.
ગગન સાથે લગ્ન થયા હોવાથી દિવ્યા ખુશ તો હતી, પરંતુ તેનો પરિવાર સામેલ ન થયો તે વાતનું તેને દુઃખ હતું. દિવ્યાએ કહ્યું હતું કે, 'બધુ અચાનક થયું. અમે પાંચ વર્ષથી રિલેશનશિપમાં છીએ અને અમે ઘણા ઉતાર-ચડાવ જોયા. પરંતુ અમને જાણ હતી કે અમારે સાથે રહેવું છે. ગગને અને મેં ઘણી મુશ્કેલીઓ વેઠી, કારણ કે અમારો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. જ્યારે અમે લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે અમારી સામે કોઈને કોઈ મુશ્કેલીઓ આવી'.
દિવ્યા ભટનાગર અને ગગને સગાઈ પણ પરિવારની ગેરહાજરીમાં કરી હતી. બંને અલગ-અલગ સમાજના હોવાથી દિવ્યાના પરિવારને આ રિલેશનશિપ સામે વાંધો નથી. તેમના લગ્નમાં માત્ર કેટલાક મિત્રો સામેલ થયા હતા.
દિવ્યાને હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ તેની માતાએ આરોપ લગાવ્યો હતો કે, દિવ્યાને તેના પતિએ છોડી દીધી છે અને તે એકલી રહે છે. આ બાદ ગગને વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તે ફ્રોડ નથી અને ન તો તેણે દિવ્યાને છોડી છે. તે કામથી મુંબઈ બહાર ગયો હતો અને તેનો પરિવાર સતત દિવ્યાના સંપર્કમાં હતો. તેણે દિવ્યાની માતા પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, 'હું દિવ્યાની માતાને પૂછવા માગુ છું કે, તેઓ છ વર્ષ દરમિયાન ક્યાં હતા. દિવ્યા શું ખાઈ રહી છે, શું પહેરી રહી છે, કેવી રીતે જીવી રહી છે તેના વિશે તેમને કેમ ક્યારેય વિચાર ન આવ્યો? અમે લગ્નજીવનમાં ખુશ છીએ. આ વિશે અમારા ફોલોઅર્સ તેમજ મિત્રો જાણે છે.