વડોદરા, તા. ૫
લગ્ન થવા છતાં કુંવારી યુવતી સાથે લગ્નેત્તર સંબંધો રાખતા યુવકને સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરાયો હતો જયાં રાત્રિના સમયે યુવકના પરિવારજનોની હાજરીમાં યુવકની પ્રેમિકા પણ વોર્ડમાં આવી પહોંચી હતી. યુવકને ઓપરેશન થિયેટરમાં લઈ જતી વેળા પ્રેમિકા પણ તેની સાથે હાજર રહેતા તેનો યુવકની પત્નીએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે યુવકની પત્ની અનેે પ્રેમિકા ઓપરેશન થિયેટરના રિકવરી રૂમમાં જ મારામારી કરતા હોબાળો મચ્યો હતો. આ તમાશાના પગલે દોડી આવેલા સિક્યુરીટી ગાર્ડે માંડ મામલો થાળે પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેતા ૨૮ વર્ષીય ગોપાલને અકસ્માતમાં ઈજાઓ પહોંચતા તેને સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરાયો છે. ગત ગુરુવારે રાત્રે તેનું ઓપરેશન કરવાનું હોઈ તેની પત્ની અને પરિવારજનો પણ ઓર્થોપેડિક વિભાગના બી-૨ વોર્ડમાં હાજર હતા. ગોપાલને ઓપરેશન થિયેટરમાં લઈ જવાતો હતો તે જ સમયે અચાનક ગોપાલની પ્રેમિકા યુવતી પણ ત્યાં આવી પહોંચી હતી અને તે પણ ગોપાલ સાથે સાથે ઓપરેશન થિયેટરના રેસ્ટરૂમમાં પહોંચી હતી. બીજીતરફ પોતાના પતિ સાથે તેની પ્રેમિકા પણ લગોલગ ચાલતી હોઈ તેનો ગોપાલની પત્નીએ વિરોધ કર્યો હતો.
જોકે ગોપાલની પ્રેમિકાએ ‘મને તો મારા ગોપુએ ફોન કરીને બોલાવી છે એટલે હું આવી છું અને હવે અહીંથી નહી જવું તેમ કહેતા પત્ની અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગોપાલની પત્નીએ ‘હું તેની કાયદેસરની પત્ની છું, તારે અહીંયા શું કામ છે ?’ તેમ કહેતા પ્રેમિકાએ ‘ગોપાલ તો મને જ પ્રેમ કરે છે અને મારી સાથે હવે લગ્ન પણ કરવાનો છે’ તેવો પ્રત્યુત્તર આપ્યો હતો જેને પગલે શાબ્દિક ટપાટપી કરી રહેલી પત્ની અને પ્રેમિકા વચ્ચે હાથાપાઈ શરૂ થઈ હતી. તેઓએ ઓપરેશન થિયેટરના રેસ્ટરૂમમાં જ એકબીજા પર અપશબ્દોનો મારો ચલાવીને વાળ ખેંચી મારમારી કરતા હોબાળો મચ્યો હતો. પત્ની અને પ્રેમિકા વચ્ચે થઈ રહેલી ઢીશુમ..ઢીશુમનો તમાશો જાેવા માટે દર્દીઓના સ્વજનો પણ દોડી આવ્યા હતા. બીજીતરફ આ બનાવની જાણ થતાં ઓપરેશનની તૈયારી કરતા ડોક્ટરો તેમજ સ્ટાફ સાથે સિક્યુરીટી ગાર્ડસ પણ બે મહિલાઓ વચ્ચે મારામારથી ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ દોડી જઈ ભારે જહેમત બાદ બંનેને છુટ્ટી પાડી હતી અને પ્રેમિકાને સમજાવીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો હતો.
જોકે આ બનાવ બાદ ગઈ કાલે બપોરે ગોપાલની પ્રેમિકા ફરી હોસ્પિટલમાં આવી હતી અને ગોપાલે મને ફોન કર્યો છે એટલે તેની તબિયત સારી થાય પછી જ હું અહીંથી જઈશ તેવી જીદ કરતા ગોપાલના પરિવારજનો અને પ્રેમિકા વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઝઘડાથી વોર્ડમાં અન્ય દર્દીઓને ખલેલ પહોંચતી હોઈ તબીબો અકળાયા હતા અને તેઓએ ગોપાલને સાફ શબ્દોમાં સુચના આપી હતી કે ભાઈ તું તારી પત્ની અને પ્રેમિકાને બહાર મોકલી દે નહી તો તું રજા લઈને ઘરે જા.
પત્ની-પ્રેમિકા વચ્ચે કોની તરફેણ કરવી તેમાં અટવાયેલો ગોપાલનો ઊંઘવાનો ડોળ
ગોપાલ એક સંતાનનો પિતા બન્યો છે છતાં તે લગ્નેત્તર સંબંધો ધરાવે છે. ગઈ કાલે વોર્ડમાં તેની પત્ની અને પરિવારજનો હાજર હતા તે જ સમયે તેની પ્રેમિકાએ વોર્ડમાં આવીને ગોપાલની લગોલગ બેસતા પત્ની અને પ્રેમિકા વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આ ઝગડામાં પત્ની કે પ્રેમિકા પૈકી કોની તરફેણ કરવી તેમાં અટવાયેલા ગોપાલને ચુપ રહેવાનું વધુ મનાસીબ લાગ્યું હતું અને તે આંખો બંધ કરીને બેડ પર ઉંઘવાનો ડોળ કરી પડી રહ્યો હતો. જાેકે આ સમગ્ર બનાવ ઓથોપેડિક વિભાગના બી-૨માં બન્યો હતો પરંતું તબીબોએ આ અંગે કંઈ ખબર નથી તેમ કહી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
કડક સિક્યુરિટીના દાવા વચ્ચે બે દિવસથી તાયફો
સયાજી હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાં રખડતા શ્વાને મોંઢુ નાખવાના બનાવ બાદ સિક્યુરીટી ગાર્ડસને બદલવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરની એક કંપનીને સિક્યુટીરીનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં સેનાના નિવૃત જવાનો મોટી સંખ્યામાં હોવાનું કહેવાય છે. જાેકે લગ્નેત્તર સંબંધોના કારણે દર્દીની પત્ની અને પ્રેમિકા વચ્ચે બે દિવસથી દર્દીઓના ભરેલા વોર્ડમાં તાયફો થવા છતાં સિક્યુરીટી ગાર્ડસ મુકપ્રેક્ષકની જેમ તમાશો જાેતા ડોક્ટરો અને સ્ટાફને દરમિયાનગીરી કરવી પડી હતી.