ગાધીનગર-
ભાજપે ૨૦૨૨ની ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી દીધી છે તો સરકારના મંત્રીઓના પીએ, અંગત મદદનીશોએ પણ પોતાના ભાવિ નવા સાહેબની શોધ શરૃ કરી છે. અત્યારે ફરજ બજાવતા પૈકીના મોટા ભાગના પીએ- પીએસ ૧૦થી ૧૫ વર્ષથી છે. આમાંથી ઘણાને ડર છે કે, તેમના સાહેબને ટિકિટ મળવાની શક્યતાઓ નથી. સાહેબને જાે ટિકિટ જ નહી મળે તો પોતાને પણ ઘરે બેસવાનો વારો આવશે તેવંુ લાગતા જ તેઓ ભારે ટેન્શનમાં આવી ગયા છે. જેથી જે ધારાસભ્યો કે નેતાનું ભવિષ્ય ઉજ્જવળ લાગી રહ્યું છે અને ભવિષ્યમાં મંત્રીપદ મળવાની શક્યતાઓ છે તેમની સાથે તેઓ ખૂબ જ સારંુ વર્તન કરે છે. આવા ધારાસભ્યો સાથે ઘરોબો કેળવવાનું શરૃ કર્યુ.
અગાઉ મંત્રીઓને મળવા આવતા હતા ત્યારે આ જ અંગત મદદનીશો તેમને ભાવ આપતા નહોતા. પરંતુ હવે તેમને સોફા પર બેસાડીને ચા-પાણી પીવડાવીને તેમના વખાણ કરી રહ્યાં છે. પોતાની ઓફિસમાંથી જ તેઓ આવા ધારાસભ્યોને મંત્રીને મળવા લઈ જાય છે. કેટલાક આઈએએસ અધિકારીઓના આંતરિક વિખવાદ અને ઝઘડા તેમજ ઈગોને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ જયપ્રકાશ મોદીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ફરજ પડી છે. અમુક બાબુની ભલામણને કારણે તેમની નિમણૂક થઈ હતી. આ બાબત અન્ય કેટલાક બાબુઓને પસંદ આવી નહોતી. બીજી બાજુ જયપ્રકાશ મોદી સામે સરકારમાં સતત ફરિયાદો થઈ હતી. જેમાં આર્થિક ગેરરીતિ, ખાનગી પ્રેક્ટિસ કરવી, વિવિધ ખરીદીમાં ભ્રષ્ટાચાર વગેરે જેવા આક્ષેપોનો સમાવેશ થાય છે. જેને પગલે અમુક અધિકારી મોદીને હેરાન કરતા હતા. જ્યારે અમુક આઈએએસ અધિકારી તેઓ સિવિલમાં જ રહે તે માટે તેમનો બચાવ કરતા હતા. આ સ્થિતિમાં તાજેતરમાં તપાસ થઈ હતી. જેનો રિપોર્ટ પણ સરકારને સુપરત કરાયો છે. મોદીની સામેના આક્ષેપો ગંભીર હોવાથી તેમનું રાજીનામું સ્વીકારી શકાય નહી તે પ્રકારનો મત આ આઈએએસ અધિકારીનો હતો. દરમિયાનમાં જયપ્રકાશ મોદીએ સ્વૈચ્છિક નિવૃત્ત થવા માટે ફરીથી રાજીનામું આપ્યું હતું જેનો તુરંત જ સ્વીકાર કરાયો હતો. નિયમો મુજબ સરકારી અધિકારી સામે તપાસ ચાલતી હોય ત્યાં સુધી તેમનું રાજીનામું સ્વીકારી શકાય નહીં.