ખેલજગતમાં મહિલાઓ સાથે ભેદભાવ

વર્ષોથી પુરુષની સરખામણીએ મહિલાઓ સાથે અનેક ક્ષેત્રમાં અસમાનતા જાેવા મળે છે. વધારે સારા શબ્દોમાં કહીએ તો પુરુષ અને મહિલા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે.સમાજમાં આવા ઘણા દાખલા મળી રહેશે કે જ્યાં પુરુષોને મહિલાઓ કરતા ઉંચો દરજ્જાે આપવામાં આવતો હોય. ઘણા બધા કુંટુંબોમાં પણ આવી વિચારસરણી જાેવા મળતી હોય છે.. જાેકે હવે ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે. મહિલાઓ સાથે ભેદભાવનું પ્રમાણ ઘટવા માંડ્યુ છે. અને મહિલાઓને પણ પુરુષ સમકક્ષ ગણીને પુરુષો જેટલી જ તક તેઓને પણ આપવામાં આવી રહી છે. જેનું તાજું ઉદાહરણ આર્મી છે .

અગાઉ મહિલાઓને એક્ચ્યુઅલ બાઉન્ડ્રી પર એકચ્યુઅલ ફાઇટ માટે તૈનાત કરવામાં આવતી નહતી. હવે મહિલાઓને પણ સીધી લડાઈ માટે સીધા જંગ માટે સરહદ પર તૈનાત કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ મહિલા સૈનિકને પણ ઓફિસરનો દરજ્જાે આપવામાં આવી રહ્યો છે.એ તો ઠીક, પરંતુ તેઓને પુરુષોની ઉપરની રેન્ક પણ આપીને તેમની શક્તિઓનો, તેમની ટેલેન્ટનો લાભ લેવાનું સિલસિલો ભારતીય સૈન્યમાં શરૂ થયો છે. પરંતુ અહીં વાત આપણે રમતોની કરવાની છે.

માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રમત વિશ્વમાં પુરુષ અને મહિલા ખેલાડીઓ વચ્ચે અનેક રીતે આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જાે વાસ્તવિકતા જાેઈએ તો પુરુષ ખેલાડી કરતા મહિલા ખેલાડીની રમત જાેનારાઓની સંખ્યા એટલે કે વ્યૂઅરશિપ વધારે છે. પુરુષ ખેલાડી કરતા મહિલા ખેલાડીઓને ટેનિસની રમતમાં વધુ પસંદ કરનારાઓની સંખ્યા વધુ છે. જાે તેનો દાખલો જાેવામાં આવે તો યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં વર્ષ ૨૦૧૯માં પુરુષોની વ્યુઅરશીપ ૩૧ લાખ હતી, જ્યારે મહિલાઓની ૩૭ લાખ હતી. ૨૦૨૦માં પુરુષોની વ્યુઅરશીપ ઘટીને ૧૫ લાખ થઈ ગઈ હતી, જ્યારે મહિલાઓની ૧૯ લાખ રહી હતી. ૨૦૨૧માં પુરુષોની રમત જાેનારા ૨૧ લાખ હતા જ્યારે મહિલાઓની રમત નિહાળનારા ૨૫ લાખ હતા. ૨૦૨૨માં પુરુષોની રમત જાેનારા ૨૨ લાખ હતા, જ્યારે મહિલાઓની રમત જાેનારા ૨૬ લાખ હતા. અને છેલ્લે ૨૦૨૩માં મહિલાઓની રમત જાેનારાઓની સંખ્યા ૩૪ લાખની હતી.

આ આંકડા બતાવે છે કે સરેરાશ પુરુષો કરતાં મહિલાઓની રમત નિહાળનારાની સંખ્યા વધારે છે. છતાં પણ મહિલા ખેલાડીને માન મરતબો આપવામાં, સગવડો આપવામાં અને ઇનામી રકમ આપવામાં ઘણો મોટો તફાવત હોય છે.

 યુરોપ કે સમગ્ર વિશ્વમાં પુરુષ ખેલાડીઓને વધારે પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પુરુષો માટે પ્રોત્સાહનની પોસ્ટ વધારે હોય છે, જ્યારે મહિલાઓ માટે પ્રોત્સાહક પોસ્ટ ઓછી હોય છે, મહિલાઓ માટે કોમેન્ટ કે અભદ્ર ટિપ્પણી વધારે હોય છે. આવું કહેવું છે વિશ્વની નંબર નવ મહિલા ખેલાડી ઓન્સ જેબુર. આ વાતમાં તથ્ય પણ છે. પુરુષો કરતાં મહિલાઓને ઓછું પ્રાધાન્ય અપાય છે. ટાઇટલની ટક્કર જાેનારામાં મહિલા ખેલાડીઓ આગળ રહી છે પુરુષો કરતા મહિલાઓની મેચ જાેનારા વધારે હોય છે. તેમ છતાં આયોજકો પુરુષોને પ્રાથમિકતા આપી રહ્યા છે. એ પછી ઇનામી રકમ હોય કે ખેલાડીઓના અપાતા માન સન્માન હોય, એટલે સુધી કે પ્રેક્ટિસ અને મેચ શેડ્યુલિંગમાં પણ પુરુષોને મહિલાઓ કરતા વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.

જાે ઇનામી રકમ ની વાત કરીએ તો ઇટાલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોને ૭૦. ૬ કરોડ જ્યારે મહિલાઓને ૪૫. ૭ કરોડની રકમ આપવામાં આવે છે. સનસીનાટી ઓપન ટેનિસમાં પુરુષોને ૬૫.૭ કરોડ અને મહિલાઓને ૫૬.૫ કરોડ આપવામાં આવે છે. કેનેડા ઓપન ટેનિસમાં પુરુષોને ૪૯ કરોડ અને મહિલાઓને ફક્ત અને ફક્ત ૨૦.૭ કરોડનો રોકડ ઇનામ આપવામાં આવે છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે પુરુષ અને મહિલા ખેલાડીઓની ઇનામી રકમમાં મોટો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.

મોટાભાગે મહિલાઓની ફાઈનલ શનિવારે હોય છે એટલે ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઇનલ રમનાર મહિલાએ સતત બે દિવસમાં બે બે મેચ રમવાની રહે છે. ગત વર્ષે યુએસ ઓપનમાં પુરુષોની ફાઈનલ મેચ જાેવા માટે ફ્રી સુવિધા એટલે કે વિનામૂલ્ય સુવિધા આપવામાં આવી હતી. જ્યારે મહિલાઓની ફાઇનલ પેઇડ ચેનલ પર દર્શાવવામાં આવી હતી. આ ઉડીને આંખે વળગે એવો ભેદભાવ છે. એનાથી વધુ વિવાદની વાત કરીએ તો ટેનિસની જ્યાં રમત રમાય છે તે કોર્ટ પર પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે જે કોર્ટ સારી ગુણવત્તાની કહેવાય છે તેના પર આજ દિન સુધી હજુ પણ પુરુષોનો કબજાે રહ્યો છે. ગત વર્ષે મેડ્રીડમાં પુરુષ નંબર બે આલ્કારેજનો કેક મહિલા નંબર બે સબા લીનકાના કેકથી ઘણો મોટો હતો. આ વર્ષે મેડ્રીડ ઓપનમાં વર્લ્ડ નંબર ત્રણ કોકો ગોફેને ખરાબ કોર્ટ પર પ્રેક્ટિસ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે પુરુષોને સારી ગુણવત્તાની કોર્ટ પર પ્રેક્ટિસ મેચ રમવાની સુવિધા આપવામાં આવી. જ્યારે પણ આ સુવિધા નક્કી કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ ૩૦થી ૪૦ ક્રમાંકના પુરુષ ખેલાડીઓને સારી ગુણવત્તાની કોર્ટ ફાળવી દેવામાં આવે છે અને તે પછી જે કોર્ટ બચે છે તે મહિલાઓને ફાળવવામાં આવે છે.

આ તો માત્ર વાત થઈ ટેનિસની, બાકી અન્ય રમતોમાં પણ મહિલા અને પુરુષ ખેલાડીઓ વચ્ચે પ્રાથમિક સુવિધાઓથી માંડી વળતર, ઇનામી રકમ અને સગવડોમાં અનેક રીતે ભેદભાવ રાખવામાં આવે છે. જેના અનેક દાખલા આપી શકાય એમ છે. હવે આ ભેદભાવ બાબતે આયોજકોનું ખુલાસો એવો છે કે મહિલા ટેનિસની આવક પુરુષોની સરખામણી ઘણી ઓછી છે એટલે પુરુષોને જે રકમ આપવામાં આવે અને જે સગવડો આપવામાં આવે તેના કરતાં મહિલાઓને ઓછી સગવડો આપવામાં આવે છે. હવે તમે જ વિચારો કે આ વાતમાં સત્ય કેટલું છે?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution