એ જમાનાની વાત છે જ્યારે મોગલી પ્રથમ વખત દૂરદર્શન પર આવ્યો હતો. મોગલી તો ફેમસ થઈ જ ગયો, સાથે મોગલીનું ગીત તેનાથી પણ વધુ હિટ બની ગયું હતું! આ ગીત ગુલઝાર સાહેબે લખ્યું હતું. કહાની કંઈક એવી છે કે ગુલઝારે આ ગીત લખ્યું પછી શોના સર્જકો બીજા દિવસે વિનંતી સાથે ગુલઝાર પાસે પહોંચ્યા હતા. કહ્યું - ‘સર, આ ગીતમાંથી ચડ્ડી હટાવી દો. તે બાળકોનું ગીત છે, ચડ્ડી શબ્દ સારો લાગતો નથી.
ઘણી બધી મગજમારી પછી ગુલઝારે સ્પષ્ટ કહી દીધું કે - હું ચડ્ડી શબ્દ કાઢીશ નહીં. તમે તમારી ફિલ્મ તમારી પાસે રાખો, હું મારી ચડ્ડી મારી પાસે રાખીશ. અંતે નક્કી થયું કે ગીત જેમ છે તેમ જ રહેશે. મોગલી ફિલ્મ આવી અને આ ગીત એટલું હિટ થયું કે આજની પેઢીએ ભલે મોગલી જાેયો ન હોય પણ બધાએ ‘ચડ્ડી પહેન કે ફૂલ’ ગીત અચૂક સાંભળ્યું હશે.
ઓરિજિનલ કહાણીની વાત કરીએ તો, રૂડયાર્ડ કિપલિંગે મોગલીની વાર્તા લખી હતી, જેમણે ધ જંગલ બુક નામનું પુસ્તક લખ્યું હતું. એવું કહેવાય છે કે રૂડયાર્ડ કિપલિંગને મોગલીની પ્રેરણા એક વાસ્તવિક છોકરામાંથી મળી હતી, જે વાસ્તવમાં ૨૦ વર્ષ સુધી વરુઓ સાથે રહ્યો હતો! પરિણામે તેની જેમ ચાલવા અને બોલવા લાગ્યો હતો. સવાલ થાય આ છોકરો કોણ હતો? શું હતી મોગલીની વાસ્તવિક કહાણી?
શરૂઆત કરીએ લેખક રૂડયાર્ડ કિપલિંગ અને તેના બોમ્બે ક્નેક્શનથી.કિપલિંગનો જન્મ ડિસેમ્બર ૧૮૬૫માં મુંબઈમાં થયો હતો. તેમની આત્મકથામાં તેઓ લખે છે કે મારી આયાએ મને બોમ્બેમાં ઘરે જે વાર્તાઓ કહેલી તે હું ક્યારેય ભૂલ્યો નથી. આ વાર્તાઓ પંચતંત્ર અને જાતક કથાઓ હતી. આ વાર્તાઓમાં પ્રાણીઓને માણસોની જેમ વાત કરતા અને વર્તન કરતા બતાવવામાં આવ્યા હતા. આ વાર્તાઓના પ્રભાવ હેઠળ જ કિપલિંગે જંગલ બુકમાં વાત કરતા વાઘ, વરુ અને હાથીના પાત્રોની રચના કરી હતી.
કિપલિંગના બાળપણના પ્રથમ પાંચ વર્ષ મુંબઈમાં વિતાવ્યા બાદ તેને લંડન મોકલવામાં આવ્યા હતા. તેને લંડનમાં બોર્ડિંગ હોમમાં રહેવું પડ્યું હતું. કિપલિંગનો લંડનમાં અનુભવ ઘણો કડવો રહ્યો હતો. ૧૮૭૭માં તેના કેરટેકરે તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. જંગલ બુકમાં એક જગ્યાએ મોગલીને વરુના ગ્રૂપમાંથી બહાર કરી દેવામાં આવે છે. માનવ જાતિ પણ તેને સ્વીકારતી નથી. અહીં કિપલિંગના પોતાના જીવનનો અનુભવ મોગલીની વાર્તામાં દેખાય છે. તે તેના માતા-પિતા સાથે રહી શકતો ન હતો અને તે જ્યાં રહેતો હતો ત્યાં તેને કાઢી મુકવામાં આવ્યો હતો.
કિપલિંગ ૧૮૮૨માં ફરી ભારત આવ્યા અને ઘણા વર્ષો સુધી પત્રકાર તરીકે અહીં કામ કર્યું હતું. કિપલિંગ ૧૮૯૨માં અમેરિકા ગયા હતા અને ડિસેમ્બર ૧૮૯૨માં મોગલીની પહેલી વાર્તા લખી હતી. ૧૮૯૨ અને ૧૮૯૫ ની વચ્ચે તેમના દ્વારા લખાયેલી વાર્તાઓ જંગલ બુક અને સેકન્ડ જંગલ બુક નામથી સંકલિત કરવામાં આવી હતી. આ વાર્તાઓ બાળકોમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી. કિપલિંગ રાતોરાત આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા. જંગલ બુકની વાર્તા કિપલિંગના દિલની ખૂબ નજીક હતી. તેણે તેની પુત્રી માટે લખી હતી, જેને તે સમયે ન્યુમોનિયા થયો હતો અને ૬ વર્ષની વયે મૃત્યુ પામી હતી. આ કહાનીઓ લખ્યા પછી ૨૬ ઓક્ટોબર, ૧૮૯૭ના રોજ કિપલિંગે જંગલ બુક પર એક નાટક પણ લખ્યું હતું. જાેકે, તે ભજવી શકાયું ન હતું.
કિપલિંગ જંગલ બુકમાં સમજાવે છે કે મોગલીનો મતલબ એક દેડકો, જેની ચામડી પર વાળ ન હોય. વાસ્તવમાં આ નામ મનઘડત હતું. દુનિયાની કોઈપણ ભાષામાં દેડકાને મોગલી કહેવામાં આવતું નથી. બીજી રસપ્રદ વાત એ છે કે મોગલીની કહાણી એક છોકરાની હતી જેને વરુઓએ ઉછેર્યો હતો. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંબંધને દર્શાવતી આ કહાણી એટલી હિટ થઈ કે જંગલ બુક પર ડઝનબંધ ફિલ્મો અને કાર્ટૂન સિરીઝ બનાવવામાં આવી હતી. તાજેતરમાં જ જંગલ બુક પર આધારિત બે ફિલ્મો વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં સળંગ રિલીઝ થઈ હતી. જંગલ બુકે રુડયાર્ડ કિપલિંગને અમર બનાવી દીધાં હતાં. અત્યાર સુધી આપણે મોગલી નામના કાલ્પનિક પાત્રની વાત કરી. હવે એ છોકરાની કહાની, જેના વિશે એવું કહેવાય છે કે રૂડયાર્ડ કિપલિંગે તેની આખી રચનાનો આધાર આ છોકરાને બનાવ્યો હતો!
૧૯મી સદીમાં ભારતમાં ઠગ સક્રિય હતા. આ ખતરનાક લૂંટારાઓ રૂમાલ વડે ગળું દબાવીને કાફલાઓને લૂંટતા હતા. આ ઠગને કાબૂમાં કરનાર બ્રિટિશ ઓફિસરનું નામ હતું હેનરી સ્લીમેન. અવધમાં તેમના રોકાણ દરમિયાન સ્લીમેને જંગલમાંથી પાછા પકડીને લાવવામાં આવેલા આવા બાળકોનો ઉલ્લેખ કર્યો છે. સ્લીમેનના જણાવ્યા અનુસાર, એ જમાનામાં વરુઓ બાળકોને ચોરીને જંગલમાં લઈ જવાની ઘટનાઓ તે સમયે સામાન્ય હતી. જ્યાં જંગલી વરુ ગામમાં આવતા અને બાળકોને લઈ જતા. તેમાંના મોટા ભાગના માર્યા ગયા અને વરુઓ તેને ખાઈ ગયા હતા, પરંતુ કેટલાક બાળકો એવા હતા જેઓ બચી ગયા હતા.
સ્લીમેને પોતાના લખાણોમાં આવા ૬ બાળકોનો ઉલ્લેખ કર્યો છે. તે બધા જંગલમાં વરુની ગુફામાંથી મળી આવ્યા હતા. અને બધા વરુઓની જેમ જમીન પર તેમના હાથ અને પગ સાથે ચાલતા હતા. તેઓ વરુના જેવા અવાજાે કાઢતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આવા બાળકોને માનવીય રીતભાત શીખવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આવો એકપણ બાળક માનવીય વાતાવરણને સંપૂર્ણપણે અનુકૂળ થઈ શક્યો ન હતો. સ્લીમેનના લખાણોમાં ચંદૌર છાવણી પાસેના જંગલમાંથી મળેલા એક છોકરાનો ઉલ્લેખ છે, જેણે માણસોને તેની નજીક આવવા દીધા ન હતા. તે કૂતરાઓ સાથે સારી રીતે એડજસ્ટ થઈ જતો હતો અને તેનો ખોરાક પણ તેમની સાથે વહેંચતો હતો. જાેકે, આ બાળક ૩ વર્ષમાં જ મૃત્યુ પામ્યો હતો. તેમાંથી મોટાભાગના જંગલમાંથી બહાર લાવવામાં આવ્યાના થોડા જ સમયમાં મૃત્યુ પામ્યા હતા. એક છોકરો - દિના શનિચર બચી ગયો હતો!.
કોણ હતો આ દિના શનિચર?
૧૮૬૭ની વાત છે. એક રાત્રે શિકારીઓનું એક જૂથ બુલંદ શહેર જિલ્લાના જંગલમાં હતું ત્યારે અચાનક એક ગુફામાંથી ગર્જના કરતો અવાજ સંભળાયો હતો. શિકારીઓએ વિચાર્યું કે તેઓને આજનો શિકાર મળી ગયો છે, પણ અંદર જાેયું તો ત્યાં પ્રાણી માનવ બાળક હતું! બાળકની ઉંમર ૬ વર્ષની આસપાસ હતી. તેઓ બાળકને પકડીને શહેરમાં લાવ્યા હતા અને તેને આગ્રાના સિકંદરા અનાથાલયમાં દાખલ કરવામાં આવ્યો હતો.અનાથાશ્રમ ત્યારે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. બાળક શનિવારે મળી આવ્યું હોવાથી તેનું નામ દિના શનિચર રાખવામાં આવ્યું હતું. દિના શનિચરની કહાણી પણ ખાસ છે, કારણ કે દિનાનો કેસ સારી રીતે દસ્તાવેજીકૃત છે. તેના ફોટોગ્રાફ્સ પણ ઉપલબ્ધ છે. અનાથાશ્રમમાં દિનાને બાળકની જેમ ઉછેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે, લાંબા સમય સુધી તે હાથ-પગ પર ચાલતો રહ્યો. જંગલમાં જાેવા મળતા અન્ય બાળકોની જેમ તે પણ કાચું માંસ ખાતો હતો. ઘણા વર્ષોના પ્રયત્નોે પછી, દિનાએ કપડાં પહેરવાનું અને રાંધેલું ખાવાનું શીખી લીધું હતું. જાે કે, તે ક્યારેય વાત કરવાનું શીખ્યો ન હતો અને ખોરાકને સૂંઘવાની તેની આદત ગઈ ન હતી. તેણે ક્યારેય કોઈ સામાન્ય માણસ સાથે કોઈ સંબંધ બાંધ્યો ન હતો. દિના ૨૯ વર્ષ સુધી જીવ્યો હતો ત્યારબાદ તેનું ટીબીથી મૃત્યુ થયું હતું.
Loading ...