અમેરિકા, કેનેડા, યુકે વગેરે દેશોમાં સ્ટુડન્ટ માટે કામ કરવાના અલગ અલગ નિયમો


નવીદિલ્હી,તા.૨૯

ભારતીય સ્ટુડન્ટ જ્યારે વિદેશ ભણવા જાય ત્યારે તે કેમ્પસ પર અથવા ઓફ-કેમ્પસ કામ કરવા મળે તેવી પણ ગણતરી રાખતા હોય છે. અમેરિકા, કેનેડા, યુકે વગેરે દેશોમાં સ્ટુડન્ટ માટે કામ કરવાના અલગ અલગ નિયમો છે. કેટલાક દેશોમાં ૨૦ કલાક કામ કરવાની છૂટ મળે છે જ્યારે અમુક જગ્યાએ વેકેશન હોય ત્યારે અનલિમિટેડ કામ કરી શકાય છે.અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા સ્ટુડન્ટ અઠવાડિયે ૨૦ કલાક સુધી કામ કરી શકે છે.યુકેમાં પણ વિદેશી સ્ટુડન્ટને કામ કરવાની મંજૂરી મળે છે. અઠવાડિયે ૧૦થી ૨૦ કલાક કામ કરી શકે છે.ફ્રાન્સમાં પણ વિદેશી સ્ટુડન્ટ માટે દર અઠવાડિયે કામ કરવાની એક ચોક્કસ લિમિટ છે.ભારતીય વિદ્યાર્થીઓ માટે ભણવાની સાથે સાથે કામ પણ બહુ જરૂરી હોય છે

ભારતીય સ્ટુડન્ટ જ્યારે હાયર એજ્યુકેશન માટે અમેરિકા, કેનેડા અથવા યુરોપ જાય ત્યારે ત્યાં ભણવાની સાથે સાથે કામ કરવાની પણ તેની યોજના હોય છે. તેનાથી બે ફાયદા થાય છે. એક તો તેને આર્થિક મદદ મળી રહે છે જેથી તે પોતાના નાના-મોટા ખર્ચ ઉપાડી શકે અને ભારતથી નાણા મગાવવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત તેને વિદેશમાં વર્ક કલ્ચરનો અનુભવ થાય છે જે તેને આગળ જતા ઉપયોગી બને છે. પરંતુ બધા દેશોમાં સ્ટડીની સાથે સાથે કેટલું કામ કરી શકાય તેના અલગ અલગ નિયમો હોય છે. ભારતીયો સામાન્ય રીતે એવા દેશ પસંદ કરે છે જ્યાં સારા એજ્યુકેશનની સાથે સાથે વર્ક કરવાની પણ તક મળતી હોય.

મોટા ભાગના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે સ્ટડીની સાથે સાથે વર્ક કરવાની મંજૂરી મળે તે જરૂરી છે કારણ કે તેનાથી ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી મળે છે. તેની સ્કીલમાં વધારો થાય છે અને અનુભવ પણ મળે છે. પણ દરેક દેશમાં કામ કરવાની શરતો અલગ અલગ છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં એફ-૧ સ્ટુડન્ટ વિઝા પર આવેલા સ્ટુડન્ટને ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ કામ કરવાની તક મળે છે. તેમાં તેઓ દર અઠવાડિયે વધુમાં વધુ ૨૦ કલાક સુધી કામ કરી શકે છે. તેથી તેઓ ભણવાની સાથે સાથે ડોલર પણ કમાઈ શકે છે. આ ઉપરાંત કોલેજમાં જ્યારે સેશન ચાલુ ન હોય અથવા લાંબો બ્રેક હોય ત્યારે અમેરિકામાં સ્ટુડન્ટસ ફૂલ ટાઈમ જાેબ કરી શકે, પરંતુ તેમાં કેટલીક શરતો હોય છે. કોલેજમાં સેશન ચાલુ હોય તો ઓફ કેમ્પસ એમ્પ્લોયમેન્ટ લઈ શકાય છે જેમાં દર અઠવાડિયે ૨૦ કલાક સુધી કામ કરી શકાય છે. તેથી તેમાં સ્ટુડન્ટે પોતાના કામ અને સ્ટડીનું વ્યવસ્થિત સંતુલન કરવું પડશે. યુકેમાં પણ ભારતીયો સહિતના વિદેશી સ્ટુડન્ટને કામ કરવાની મંજૂરી મળે છે. તેમાં તેઓ અઠવાડિયે ૧૦થી ૨૦ કલાક કામ કરી શકે છે. જાેકે, દરેક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટે કેટલીક લિમિટ નક્કી કરેલી હોય છે અને તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે. યુકેમાં જ્યારે ક્લાસિસ ચાલુ ન હોય, એટલે કે વેકેશન અથવા રજાઓ હોય ત્યારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ ફુલ ટાઈમ વર્ક કરી શકે છે. તેથી તેમને કમાણીનો એક રસ્તો મળે છે. હવે કેનેડાની વાત પર આવીએ. એકેડેમિક વર્ષ ૨૦૨૪થી કેનેડામાં સ્ટુડન્ટ દર અઠવાડિયે ૨૪ કલાક ઓફ-કેમ્પસ કામ કરી શકે છે. એટલે કે તેઓ સ્ટડી કરવાની સાથે સાથે થોડી કમાણી પણ કરી શકે. આ ઉપરાંત કોલેજમાં શિડ્યુલ્ડ બ્રેક દરમિયાન ફુલ ટાઈમ વર્ક કરી શકાય છે અને કરિયર માટે નવી તક શોધી શકાય છે. ફ્રાન્સમાં પણ વિદેશી સ્ટુડન્ટ માટે દર અઠવાડિયે કામ કરવાની એક ચોક્કસ લિમિટ છે. તેનાથી તેઓ વર્ક અને સ્ટડી વચ્ચે બેલેન્સ સાધી શકે છે. દર વર્ષે વધુમાં વધુ ૯૬૪ કલાક કામ કરવાની છૂટ હોય છે જેમાં તેઓ પાર્ટ ટાઈમ જાેબ કરી શકે છે. આ ઉપરાંત યુનિવર્સિટીની અંદર જ વર્ક માટે કેટલાક નિયંત્રણ હોય છે. તેથી ઓથોરિટીએ નક્કી કરેલા નિયમો પ્રમાણે ભણી શકાય અને કામ પણ કરી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી સ્ટુડન્ટ્‌સને કામ કરવામાં પ્રમાણમાં વધારે છૂટછાટ મળે છે. ઓસ્ટ્રેલિયામાં દર બે અઠવાડિયાના ગાળા દરમિયાન વધુમાં વધુ ૪૮ કલાક કામ કરી શકાય છે. તેમાં ભણતરને અસર ન થાય તે રીતે એમ્પ્લોયમેન્ટ શોધી શકાય છે. સ્ટુડન્ટ જ્યારે ભણતા ન હોય અથવા વેકેશન હોય ત્યારે વધુમાં વધુ કેટલા કલાક કામ કરવું તેના કોઈ નિયંત્રણ નથી. તેથી તેઓ પોતાના ટાઈમને વધુ સારી રીતે મેનેજ કરી શકે છે. યુરોપનો દેશ જર્મની પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને આકર્ષે છે અને ત્યાં સ્ટડી ચાલુ હોય તે દરમિયાન દર અઠવાડિયે વધુમાં વધુ ૨૦ કલાક કામ કરી શકાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution