અમદાવાદ-
મધ્ય ગુજરાત ભાજપમાં ભારે ભડકો થયો છે. આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે ભાજપના જ નેતા અને સાંસદ મિતેષ પટેલ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. મિતેષ પટેલ પક્ષમાં જાતિવાદ ચલાવતા હોવાનો આરોપ લગાવવાની સાથે સાથે ગોવિંદ પરમારે શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ દિલીપ પટેલ વિરુદ્ધ પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા પક્ષના જ આ નેતાઓ ષડયંત્ર રચ્ચાનો પણ ગોવિંદ પરમારે આરોપ લગાવ્યો છે. ચૂંટણી હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભરત પટેલને જાતિવાદ ચલાવી નોમિની ડિરેક્ટર બનાવાનો આરોપ લગાવી ગોવિંદ પરમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પક્ષમાં સામે આવેલા આ વિખવાદને પ્રદેશ ભાજપે ગંભીરતાથી લીધો છે અને પંકજ દેસાઈને મધ્યસ્થી કરવા મોકલવામાં આવ્યા છે. મોડી સાંજે બેઠક બાદ મુખ્યમંત્રીએ આજે મળવા બોલાવ્યાનો દાવો પણ કર્યો છે.
ગોવિંદ પરમારના રાજીનામાની ધમકી અને સનસનીખેજ આરોપથી એક તરફ જ્યાં પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યુ તો બીજી તરફ મિતેષ પટેલે પલટવાર પણ કર્યો છે. ગોવિંદભાઈને ડેરીની ચૂંટણીમાં હરાવાનો કોઈ પ્રયાસ ન થયાના દાવાની સાથે સાથે પક્ષમાં જાતિવાદના પરમારે લગાવેલા આરોપનો પટેલે છેદ ઉડાવ્યો છે. જો કે સ્પષ્ટતા કરવા અને સમજાવવા ગોવિંદભાઈને મળવાની મિતેષ પટેલે તૈયારી પણ દર્શાવી છે.