મુંબઇ
'બિગ બોસ 12'માં સ્પર્ધક તરીકે જોવા મળેલી જસલીન મથારુએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તથા ભજન ગાયક અનુપ જલોટાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં જસલીન દુલ્હન તરીકે જોવા મળે છે અને અનુપ જલોટા વરરાજા બનેલા દેખાય છે. તસવીરની સાથે જસલીને અનુપ જલોટાને ટેગ કર્યા છે. જોકે, આ તસવીરને કોઈ કેપ્શન આપ્યું નથી. આ જ કારણે મોટાભાગના યુઝર્સ માની રહ્યા છે કે જસલીન-અનુપે લગ્ન કરી લીધાં છે.
જસલીન તથા અનુપની તસવીર જોયા બાદ એક યુઝરે કહ્યું હતું, 'યાર સાચે જ છોકરાઓ મહેનત કરો, પૈસા કમાઓ... પછી જ આવું ફળ મળશે. આજકાલ પૈસા જ બધું છે. ઉંમર અને ચહેરો કોઈ જોતું નથી.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'અમને તો કોઈ મળતું નથી અને દાદાજી લોકોને તો જુઓ શું મળી ગયું.' અન્ય એક કમેન્ટ કરી હતી, 'મારી જોડે લગ્ન કરી લીધાં હોત તો સારું થાત.'
જસલીન તથા અનુપે લગ્ન કર્યાં નથી પરંતુ આ તસવીર તેમની અપકમિંગ હિંદી ફિલ્મ 'વો મેરી સ્ટૂડન્ટ'ના સેટની છે. આ ફિલ્મને જસલીનના પિતા કેસર મથારુ ડિરેક્ટ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં આ ફિલ્મનું પોસ્ટર જસલીને શૅર કર્યું હતું અને શૂટિંગ શરૂ થયું હોવાનું કહ્યું હતું. તેણે કેપ્શનમાં કહ્યું હતું, 'હેલ્લો, ફાઇનલી ચલો કામ શરૂ. અનુપ જલોટાની સાથે મારી અપકમિંગ ફિલ્મ 'વો મેરી સ્ટૂડન્ટ' માટે શૂટિંગ.'
'બિગ બોસ 12'ના ઘરમાં જસલીન પોતાનાથી 37 વર્ષ મોટા અનુપ જલોટા સાથે ઘરની અંદર ગઈ હતી. તે સમયે બંનેએ દાવો કર્યો હતો કે તેઓ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જોકે, ઘરની બહાર આવ્યા બાદ બંનેએ રિલેશનશિપમાં હોવાની વાત નકારી કાઢી હતી. સૂત્રોના મતે, અનુપ જલોટાને 'બિગ બોસ 12'ના ઘરમાં રહેવા બદલ દર અઠવાડિયે 40-45 લાખ રૂપિયા મળ્યા હતા.