મુંબઇ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ એંગલની તપાસમાં બોલિવૂડ હસ્તીઓ પર સિકંજો કસવાનું જારી છે. એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની શનિવારે ધરપકડ કરી હતી. એજન્સીએ રવિવારે તેને મેજિસ્ટ્રેટ સામે ઓનલાઈન રજૂ કર્યો હતો, જ્યાં તેને ત્રીજી ઓક્ટોબર સુધી હિરાસતમાં મોકલી દેવાયો હતો.
એનસીબીના અધિકારી મુરારી લાલે ક્ષિતિજ પ્રસાદના રિમાન્ડ માંગતા કોર્ટને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર સંકેત પટેલે ક્ષિતિજ પ્રસાદ અને બીજા આરોપી કરમજીત સિંહ આનંદના માધ્યમથી કેટલાક લોકોને ગાંજો સપ્લાય કર્યો હતો. આ સપ્લાય પ્રતિ 50 ગ્રામ કન્સાઈન્મેન્ટના રૂ. 3,500ની કિંમતે કુલ 12 વાર કરાયું હતું. આશરે 600 ગ્રામ ગાંજાના રૂ. 42 હજાર વસૂલવામાં આવ્યા હતા. એટલે ક્ષિતિજ પ્રસાદ પાસેથી પૂરતી માહિતી મેળવવા તેને નવ દિવસના રિમાન્ડ સોંપવામાં આવે. જોકે, આ દલીલો પછી મેજિસ્ટ્રેટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન એનસીબીએ શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ અને કરિશ્મા પ્રકાશના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેમાં દીપિકાના બે ફોન સામેલ છે.
એનસીબીએ અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 18 લોકો બોલિવૂડ સાથે સંકળાયેલા છે. એનસીબીએ ક્ષિતિજ પ્રસાદ પહેલા રિયા ચક્રવતી, તેનો ભાઈ શોવિક, અબ્બાસ લખાણી, કરણ અરોર, જેદ વિલ્તરા, અબ્દુલ બાસિત પરિહાર, સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત, કૈઝન ઈબ્રાહિમ, અનુજ કેસવાની, અંકુશઅનરેજા, કરમજીત સિંહ આનંદ, સંકેત પટેલ, સંદીપ ગુપ્તા, આફતાબ અન્સારી, ડ્વેન ફર્નાન્ડિસ, સૂર્યદીપ મલહોત્રા, ક્રિસ કોસ્ટા અને રાહિલ વિશ્રામની ધરપકડ કરી છે.
રકુલપ્રીત સિંહની પૂછપરછમાં પણ ક્ષિતિજ પ્રસાદનું નામ ખૂલ્યું છે. એનસીબીના સમન્સ મળ્યા પછી ક્ષિતિજ દિલ્હીથી મુંબઈ પહોંચ્યો હતો. એનસીબીએ એરપોર્ટ પરથી જ તેને હિરાસમાં લઈ લીધો હતો, પરંતુ એ પહેલા એજન્સીએ તેના મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડીને ડ્રગ્સ કબ્જે કર્યું હતું.