આંતરિક શુદ્ધિ માટે ધારણા, ધ્યાન અને સમાધિ

લેખકઃ આદિત શાહ | 


અગાઉના અંકોમાં આપણે સાધના માટે અષ્ટાંગ યોગ પૈકી આસન,પ્રાણાયામ અને પ્રત્યાહાર વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આંતરિક શુદ્ધિ માટે અષ્ટાંગ યોગના ધારણા, ધ્યાન અને સમાધિ નામના ચરણ વિશે માહિતી મેળવીશું.

ધારણા :  પ્રાણની મદદથી મનને આત્મામાં ધારણ કરવું તે ધારણા. સામાન્ય રીતે તેના પાંચ પ્રકારો છે પણ અમુક વિદ્વાનો તેને ત્રણમાં પણ ખપાવે છે.

(૧) આત્માને મનમાં ધારણ કરવું તે પહેલી ધારણા (ભગવાન મારી અંદર વાસ કરે છે તે)

(૨) હ-અક્ષરથી બાહ્ય પ્રાણમાં ધારણ કરવાની કલ્પના (સમગ્ર આકાશ મારી અંદર વાસ કરે છે તે)

(૩) ય-અક્ષરથી બાહ્ય વાયુને દેહસ્થ વાયુના પંચવાયુમાં ધારણ કરવાની કલ્પના (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન મારી અંદર સમાયેલા છે તે)

(૪) વ-અક્ષરથી જલ તત્વને દેહસ્થ જળમાં ધારણ કરવાની ભાવના (શરીરના શુક્ર અને શોણિતમાં રહેલ જળ તત્વ)

(૫) ર-અક્ષરથી અગ્નિ તત્વને દેહના જઠરાગ્નિમાં ધારણ કરવાની ભાવના (પવિત્ર અગ્નિદેવ મારા ઉદરમાં રહેલા જઠરાગ્નિમાં સમાયેલા છે તે)

(૬) લ-અક્ષરથી બાહ્ય પૃથ્વી તત્વને શરીરના ભૌતિક સ્વરૂપમાં ધારણ કરવાની ભાવના (મારુ શરીર આ પૃથ્વીની માટીનું બનેલું છે તે)

– ક્રમ નં. ૨ થી ૬ એ બીજી ધારણા ગણાય

(૭) શરીરના વિવિધ અંગોમાં પંચ તત્વ ધારણ કરવા તે ત્રીજી ધારણા (જાંઘ સુધીનો ભાગ પૃથ્વી તત્વ, પગ સુધી જળ તત્વ, હ્રદય સુધી અગ્નિ તત્વ, ભ્રમર મધ્યે વાયુ તત્વ અને બ્રહ્મરંધ્રમાં આકાશ તત્વ સમજવું)

(૮) શરીરના વિવિધ અંગોમાં દેવતા સ્થાપિત કરવા તે ચોથી ધારણા (પૃથ્વી તત્વ બ્રહ્માનો, જળ તત્વ વિષ્ણુનો, અગ્નિ તત્વ મહેશનો, વાયુ તત્વ ઈશ્વરનો, આકાશ તત્વ સદાશિવનો સમજવો.)

(૯) સમગ્ર વિશ્વ સંચાલક એવા પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને સર્વાનંદમય માનીને સમસ્ત અર્પણ કરવાની ભાવના તે પાંચમી ધારણા.

ટૂંકમાં, ઈશ્વરને અને તેમના પરમ તત્વોને ભૌતિક દેહમાં સ્થાપિત કરવાની ભાવના એટલે ધારણા.

ધ્યાન :  વાસનારહિત ચિત્ત એટલે ધ્યાન. આંખો બંધ કરી ઈષ્ટને નજર સમક્ષ કલ્પીને પોતાની અંદર તેમને ધારણ કરવા તથા હું પોતે પરબ્રહ્મ છું તથા વિમુક્તાત્મા છું તે રીતે ધ્યાન કરવું જાેઈએ. ધ્યાનની પ્રકિયા વિશેષ અભ્યાસ માંગી લે તેવી છે.

સમાધિ : જેમ દરિયામાં ગમે તેટલી લહેર આવે કે ફીણ વળે પણ પાણી તો એક જ રહે છે, તેમાં વિકાર નથી એ જ રીતે હું દેહ નથી, પ્રાણ નથી ફક્ત પરપોટારૂપ જળ છું અર્થાત મૂળ જળ અને પરપોટારૂપ જળમાં કોઈ ફેર નથી એમ મારા અને પરમાત્મામાં પણ ફેર નથી તેમ માનીને પરમાત્મામાં લીન થવું એટલે સમાધિ. ધ્યાન વગેરેની સંપૂર્ણ વિસ્મૃતિ અવસ્થા એટલે સમાધિ. સમાધિ ક્ષણ પૂરતી હોવાથી લઈને લાંબા સમય સુધીની હોઈ શકે છે. સાધકને સમાધિ પ્રાપ્ત થાય એટલે તે તમામ ભૌતિક અવસ્થાથી પરે થઈ જાય છે. તેના અંતઃકરણમાં સદા શીતળતા રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution