વડોદરા-
ભગવાનના જન્મનો સમય જેમ નજીક આવતો હતો તેમ ભગવાનના વધામણા કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઉમંગ અને જુસ્સો વધી રહ્યો હતો. કૃષ્ણમય બની ગયેલા લોકોએ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સવારથી કૃષ્ણમય બની ગયેલી શેરીઓ, મંદિરો, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો રાત્રે 12ના ટકોરા થતાં જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. ભગવાનને પારણે ઝૂલાવવા માટે મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે લાઈનો લાગી હતી. વડોદરા શહેરની પોળો, સોસાયટીઓના યુવક મંડળો દ્વારા પણ સાર્વજનિક શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાનના જન્મ પછી કલાકો સુધી માર્ગો ઉપર લોકોની ચહલ પહલ રહી હતી, અને ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર, શહેરના વિવિધ વિસ્તોરમાં આવેલી વૈષ્ણવ હવેલીઓ અને સ્વામીનારાયણ મંદિરોમાં પણ મોડી રાત સુધી શ્રદ્ધાળુઓનો ભગવાનને પારણે ઝૂલાવવા માટે ધસારો રહ્યો હતો. શહેરના માર્ગો દિવસમાં ફેરવાઇ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીના પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યુ હતુ.