ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે, સામે કોંગ્રેસ દ્વારા સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પદમાવતી શોપિંગ સેન્ટર પાસે મહિલા સુરક્ષા અભિયાન હેઠળ બેનરો અને પ્લેકાર્ડ સાથે દેખાવો યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જાે કે, પોલીસે ર૮ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસ દ્વારા આજે મહિલા સુરજ્ઞા અભિયાન હેઠળ મધ્ય ગુજરાતના ઈન્ચાર્જ બિશ્વરંજન મોહંતીની ઉપસ્થિતિમાં પદમાવતી શોપિંગ સેન્ટર, મંગળ બજાર ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજી સુરક્ષા મહિલાઓનો અધિકારના નારા પોકાર્યા હતા. ત્યાર બાદ મહિલા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને મંગળ બજારમાં આવેલ મહિલાઓ જાેડે પોસ્ટ કાર્ડ લખાવી તેમની સહી લેવામાં આવી. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, વિરોધ પક્ષના નેતા અમી રાવત, પ્રવક્તા અમિત ઘોટીકર, પ્રદેશ મંત્રી નીલેશ બ્રહ્મભટ્ટ સહિત ર૮ કાર્યકરોની અટકાયત કરી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૩૫૦ રૂપિયે ગેસનો બોટલ હતો હવે ગેસનો બોટલ રૂા.૮૪૦ થઈ ગયો છે. હાલના દિવસોમાં ઘરનું રસોડું ચલાવવું મહિલાઓ માટે કપરું થઈ પડયું છે. આજે ઘરવખરીનો કોઈ સામાન હોય તેમાં મોંઘવારીએ માઝા મુકી છે. દિવસે ને દિવસે રોજગારની સંખ્યા ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે.
એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કરેલા સર્વેક્ષણ મુજબ ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી વધારે અસુરક્ષિત દેશ છે. આ રિપોર્ટ અનુસાર યૌનહિંસા, સંસ્કૃતિ અને પરંપરાના નામે ઉત્પીડન અને માનવતસ્કરીના મામલે ભારતનો રેકોર્ડ અત્યંત ખરાબ છે. છેલ્લાં ઘણાં સમયથી દેશમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના પ્રમાણમાં વધારો થયો છે પરંતુ પરિસ્થિતિ સુધરવાને બદલે વકરી રહી છે, જેના કારણે ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી અસલામત દેશ બની ગયો છે. સાત વર્ષ પહેલા ૨૦૧૧માં આ સર્વે થયો ત્યારે ભારત મહિલાઓની અસલામતીના મામલે ચોથા સ્થાને હતું. પરંતુ છેલ્લા થોડા વરસોમાં દેશની પરિસ્થિતિ બગડી છે. મહિલાઓ માટે રહેલા જાેખમના મામલે ભારતે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને સિરિયાને પણ પાછળ રાખી દીધા છે. અફઘાનિસ્તાનનું આ યાદીમાં ભારત પછી બીજું અને સિરિયાનું ત્રીજું સ્થાન છે.