ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆરનું તેડું છતાં ૧૧ પૈકી માત્ર ૪ ગયા ઃ કોકડું વધુ ગૂંચવાયું

વડોદરા,તા.૨૭

વડોદરા ડેરીની ચૂંટણીમાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છત્તા ૩ જુલાઈ ઉપર મુલતવી રાખવાની ફરજ ફાડી હતી.ત્યારબાદ પોતાના જ પક્ષના સભ્યોના બળવાને ખાળવાને માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ -ચંદ્રકાન્ત પાટીલ દ્વારા બરોડા ડેરીના ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ એ મુલાકાતને માટે જે બે સભ્યોના નામનો મેન્ડેટ આવ્યો હતો.એ બે સભ્યો ઉપરાંત વધુ નવ પૈકી માત્ર બે જ સભ્યો ગયા હતા.જયારે ૧૧ પૈકી મોટાભાગના સાત સભ્યો ગયા નહોતા. બલ્કે પ્રદેશ અધ્યક્ષના આદેશને જાણેકે ઘોળીને પી ગયા હોય એવો વ્યવહાર કર્યો હતો.એટલુંજ નહિ આ સાતે સાત સભ્યોએ સવારથી જ પોતાનો મોબાઈલ ફોન સ્વીટ્‌ચ ઓફ કરી દીધો હતો. જેને લઈને બરોડા ડેરીના મલાઈદાર હોદ્દદાને માટેનો બળવો યથાવત રહેવા પામ્યો છે. તેમજ દૂધના રાજકારણમાંથી મલાઈ આરોગવાને માટેનો સંઘર્ષ વધુને વધુ ઘેરો બનતો જાય છે.જે સમસ્યાનું સમાધાન કે ઉકેલ કેવી રીતે લાવવો એ બાબતને લઈને પ્રદેશ ભાજપના નેતાઓ ખુદ માથું ખંજવાળવા લાગ્યા છે.ત્યારે ભાજપને માટે ઘર ફૂટે ઘર જાય એવા સંજાેગોમાં આટલી નાની સંસ્થાની ચૂંટણીમાં થયેલો બળવો માથાના દુખાવા સમાન બની ગયો છે.આજે પ્રદેશ પ્રમુખનું તેડું છત્તા મોટાભાગના ૧૧ પૈકી ૭ સભ્યો ગેર હાજર રહેતા પ્રદેશથી બુધવારે નિરીક્ષકો મોકલવાની સ્થિતિ સર્જાવા પામી છે.તેમ છત્તા બળવાખોરો એમના હાથમાં આવશે કે કેમ એ બાબતે શંકા પ્રવર્તી રહી છે. જાે કે નિરીક્ષકોની હાજરીમાં બળવાખોરોને ફરજીયાત મળવાના આદેશો કરી દેવામાં આવ્યા છે.પરંતુ હાલના સંજાેગોમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે.એમાં શેઠની શિખામણ ઝાપા સુધી હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે નિરીક્ષકો આ ઉકળતા ચરુમાં શું ઉકાળીને જશે એતો આવતીકાલે બુધવારે મોકલવામાં આવેલા તેડામાં કેટલા બળવાખોરો હાજર રહે છે એના પરથી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. કે નિરીક્ષકોમાં કેટલું પાણી છે? એ એમાં મપાઈ જશે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

બળવાખોરોના બળવા પાછળ કોણ?

બરોડા ડેરીની ચૂંટણી ટાણે ગ્રહણ ટાણે સાપ નીકળયા જેવી સ્થિતિ સર્જાવા પયામિ છે.ત્યારે આ બળવાખોરોને ભાજપના જ કોઈ મોટા માથાના નેતાનું પડદા પાછળ પીઠબળ હોવાનું મનાય છે.અલબત્ત એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે આ બળવાની પાછળ બળવાખોરોને કોઈ મોટું રાજકીય પીઠબળ કામ કરી રહ્યું છે. જેને લઈને બળવાખોરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના આદેશને પણ ઘોળીને પી ગયા છે. તેમજ આ બાબતે ટસના મસ થવા તૈયાર થતા નથી.

બરોડા ડેરીનો બળવો, એનો મતલબ પાટીલનું ઉપજતું ન હોવાની રાજકીય ચર્ચા શરૂ થઈ

બરોડા ડેરીમાં કુલ ૧૩ ડિરેક્ટરોમાં ભાજપાના ૧૧ છે. જયારે વિપક્ષ કોંગ્રેસના માત્ર બે સભ્યો છે.તેમ છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની કક્ષાએથી બરોડા ડેરીના માટે અપાયેલા મેન્ડેટ પછીથી ખુદ ભાજપના જ સભ્યોએ બળવો કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલનું કઈ ચાલતું નથી એવી રાજકીય ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

સીઆર પાટીલનું બધાને તેડું ઃ ૪ પૈકી બે મેન્ડેટવાળા ગયા!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે બરોડા ડેરીમાં પોતાના જ પક્ષના સભ્યો દ્વારા થયેલા બળવા પછીથી એની ગંભીર નોંધ લીધી હતી.તેમજ આ બળવાને ખાળવાને માટે બળવાખોરો સહિત તમામ ૧૧ સભ્યોને મંગળવારે તાત્કાલિક તેડું મોકલી બોલાવ્યા હતા.પરંતુ આ અગિયાર સભ્યો પૈકી માત્ર ચાર સભ્યો ગાંધીનગર ખાતે સી.આર.પાટીલને મળવા ગયા હતા. જેમાં સતીષ નિશાળિયા ઉપરાંત સાવલીના સભ્ય રામસિંહ વાઘેલા,

કૃપાલસિંહ મહારાઉલજીનો સમાવેશ થાય છે.

બળવાખોરોનો આક્રોશ ઠારવા સેન્સ લેવાશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષના તેડાને લઈને ગાંધીનગર સી.આર.પાટીલને મળવા ગયેલા વડોદરા ડેરીના ડિરેક્ટરો અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર. સાવલીના બરોડા ડેરીના સભ્ય રામસિંહ વાઘેલા, છોટા ઉદેપુરના બે ધારાસભ્યો,સતીષ પટેલ નિશાળિયા અને કૃપાલસિંહ મહારાઉલજી સાથે લંબાણપૂર્વક ચર્ચા વિચારણાઓ થઇ હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા વિચારણાને અંતે આવતીકાલે બુધવારની બદલે પહેલી જુલાઈના રોજ સેન્સ પ્રક્રિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution