દેશળજીની કલગી ચોરાઈ

લેખકઃ નરેશ અંતાણી | 

કચ્છના રાવ દેશળજી બીજા(ઈ.સ. ૧૮૧૯–૧૮૬૧)ના સમયમાં કચ્છમાં ઠીક ઠીક પ્રમાણમાં શાંતિ સ્થપાઈ હતી. તેમની અને તેમના અમાત્યમંડળની કામગીરી પણ સંતોષજનક રહી હતી. રાવ દેશળજીના સમયમાં એક એવી ઘટના બની કે દેખાતી શાંતિ સામે સવાલો ઉભા થવા લાગ્યાં. આ ઘટના કચ્છના ઈતિહાસમાં નોંધાઈ નથી પણ કચ્છના રાજકવિ શંભુદાનભાઈ ગઢવીને પોતાના રાજ્ય સાથેના સંપર્કોને કારણે અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળી હતી તે તેમણે પોતાના ગ્રંથમાં નોંધી છે.

 રાવ દેશળજી એક પ્રવાસમાં શિકારપુર પહોંચ્યા પછી રાત્રિના પોતાની રાવટીમાં સુતાં. અને સવારે ઉઠીને દેશળજી પોતાની પાઘડી પહેરવા ગયાં ત્યાં પાઘડી પરની કિંમતી નંગ જડેલી કલગી ગુમ થયેલી જણાઈ. તેમણે તાત્કાલીક પોતાના અંગત માણસોને બોલાવી કલગી અંગે પુછપરછ કરી. આખા કેમ્પમાં તપાસ કર્યા પછી અંતે કલગી ચોરાઈ ગઈ હોવાનું જ જણાયું.

 આ ઘટના પછી તાત્કાલિક સાથેના પગીઓને બોલાવવામાં આવ્યાં. પગીઓએ છાવણીની ચારે તરફ તપાસ કરતાં પૂર્વ દિશા બાજુથી કોઈ નવો પગ આવતો અને પરત જતો દેખાયો.આ પગના સગડ મેળવી પગની દિશામાં પગીઓ અને સિપાઈઓ આગળ વધ્યાં તો આ પગ રણ રસ્તે ચોરાડ પ્રદેશ તરફ જતો જણાયો. આ કલગીના ચોર રાત્રિ દરમ્યાન જ રણ પાર કરી સામા કાંઠે નીકળી ગયા હોવાનું જણાયું.

 આ હકીકતથી દેશળજીને પણ વાકેફ કરવામાં આવ્યાં અને હવે સામે કાંઠે તપાસ કરવામાટે પગીઓ અને સિપાઈઓને મોકલવા હોય તો બંને પ્રદેશના બ્રિટિશ સરકારના રાજકીય પ્રતિનિધિઓની પરવાનગી મેળવવી પડે, અને આમ કરવા જાય તો ખુદ મહારાવના તંબુમાંથી ચોરી થયાની વાત દેશપરદેશમાં ફેલાઈ જાય. આથી કચ્છ રાજ્યનું નાક પણ કપાય. એવું વિચારી દેશળજીએ આ ઘટનાને ત્યાં જ બંધ કરવાનું મુનાસીબ માન્યું.

આ ઘટનાના છ સાત મહિના પછી પલાંસવાના એક ચારણ પોતે કવિ હોવાથી રાધનપુરના નવાબના દરબારમાં ગયાં હતાં ત્યારે તેમના માથા પરની પાઘડીમાં રાવ દેશળજીની ખોવાયેલી કલગી જ લગાવેલી તે જાેઈ ગયાં.

તેમણે દેશળજીને ખાનગીમાં મળી વાત કરી. દેશળજી આ સાંભળી મુંઝવણમાં મૂકાયાં. સામે પણ રજવાડું હોઈ તાત્કાલીક તેઓ કશું કરી શકે તેમ નહતાં. આથી તેમણે પોતાના ખાસ અંગત માણસોને બોલાવી પોતાની મુંઝવણ જણાવી અને આ કલગી જે રીતે પોતાના પાસેથી રાધનપુર પહોંચી છે તે જ રીતે ત્યાંથી પરત મેળવી શકાય કે કેમ? અને જાે થઈ શકે તો કેમ? તેની વિચારણા કરવા જણાવ્યું. કોઈ કુશળ માણસો શોધી કલગી પરત મેળવવા તજવીજ કરવા જણાવ્યું.

આ માટે એમણે પોતાના અંગત અને વિશ્વાસુ માણસોને આ કામ સોપ્યું. આ સમયે નખત્રાણાના જતાવીરા ગામના સોમેલ માંડો અને થરાવડા (ભડલી)નો આસો નામના ચોર આખાંય કચ્છ ઉપરાંત સિંધ અને ચોરાડમાં કુખ્યાત હતાં. તેઓ ચોરી કે લૂંટ એટલી કુશળતાથી કરતાં કે તેમને પડકવા કે પૂરવાર કરવાનું ભારે પડી જતું.

 દેશળજીએ આ બંને લૂંટારાઓની હંોશિયારીની વાત સાંભળી કોઈનેય આમાં કચ્છ રાજ્યનો હાથ છે એ વાતની ગંધ ન આવે તે રીતે ચોરોને કામ સોંપવા મંજુરી આપી.

રાજે કામ સોંપ્યું એટલે પહેલું એ જ પૂરું કરવું એમ વિચારી તેઓ કચ્છના સામે કાંઠે ચોરાડના રાધનપુર પહોંચી ગયાં. અને એક દિવસ લાગ જાેઈ નવાબના મહેલની પાછળના ભાગની દિવાલમાં વરસાદી પાણીના નિકાલના બાકોરામાં ભરાવેલા પથ્થરો હટાવી સૂતે સૂતે તેઓ અંદર દાખલ થઈ ગયાં.

ગોખમાંથી અંદર નજર કરી તો પલંગ પર નવાબ અને તેની બેગમ ઘસઘસાટ સૂતા છે અને બાજુના ટેબલ પર નવાબની પાઘડી કચ્છના રાવની કલગી સહિતની પડી હતી. તુરંત અંદર ઘૂસી આ બધી વસ્તુઓ ચોરી પોટલી બાંધી નીચે સેરવી નાખી. આથી આ વસ્તુઓ લઈ આસો તો નાસી છુટયો. આ બાજુ માંડાને આમ આસાનીથી વસ્તુ મળી જવાની આનંદ ન આવ્યો આથી પોતાની બહાદુરીની જાણ કરવા નવાબના પગનો અંગુઠો દબાવ્યો આથી ઝબકીને જાગેલા નવાબે પુછયું “કોન હૈ ?” માંડાએ 'તેરા બાપ’ એવો જવાબ આપી નાસી છૂટયો.

આ બાજું આસો અને માંડો મૂઠી વાળી કચ્છ તરફ નાસવા લાગ્યાં. પણ તેમને જાણ હતી જ કે નવાબના માણસો તેનું પગેરું જરૂર દબાવશે. એથી રસ્તામાં જરાય રોકાયા વગર સીધા ભુજ પહોંચી સીધા જે અમલદારે તેમને કામ સોંપ્યું હતું તેમને જણસ સોંપી દીધી. અને નવાબના માણસો તેમનું પગેરું દબાવતા કચ્છ આવે છે તેની પણ વાત કરી.

એ સમયે રજવાડાઓ વચ્ચે એવી સમજુતી હતી કે જાે એક રાજ્યનો ગુનેગાર બીજા રાજ્યમાં પકડાય તો તે રાજ્યને સોંપી દેવો પડે. આથી આથી તુરત દેશળજીએ આવું બને અને નવાબના માણસો કચ્છમાં આવે તે પહેલાં દેશળજીએ સૂચના આપી કે આસો અને માંડાના પગ કચ્છમાંથી દરિયા તરફ જતા બતાવી કોઈ વહાણમાં બેસાડી પાછા કચ્છના કોઈ અખાતની ખાડીમાં ઉતારી પાછા કચ્છમાં લઈ આવો. પણ નવાબના માણસોને એમ જ લાગવું જાેઈએ કે ગુનેગારો કચ્છના દરિયા માર્ગે નાસી છૂટયાં છે. પગેરું દબાવતાં પગીઓ સહિતનું લશ્કર માંડવી પહોંચ્યું અને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બે માણસો આવ્યા હતાં અને અફઘાનિસ્તાન જતાં વહાણમાં ચડી ગયા છે. આથી રાધનપુરનું લશ્કર નિરાશ થઈ ખાલી હાથે પરત ફરી ગયું.

 આમ, કચ્છના રાવની પાઘડીની કલગી પરત આવી ગઈ અને રાવની લાજ રહી ગઈ. આ ઘટના પછી આસો અને માંડાએ કયારેય કચ્છમાં ચોરી લૂંટ નહીં કરવાનું વચન આપ્યું અને કચ્છમાં શાંતિથી વખત ગાળવા લાગ્યાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution