ગાંધીનગર ભાજપ સરકારના ગૃહ રાજ્ય મંત્રી બાદ આજે વધુ બે કેબિનેટ મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ અમદાવાદના ડેપ્યુટી મેયર પણ કોરોના ગ્રસ્ત થયા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ રાજ્યમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રી સહીત એક ડઝનથી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં છેલ્લે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થયા હતા.
વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ ગઈકાલે શનિવારે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી હતી. ત્યાર બાદ આજે રાજ્ય સરકારના વધુ બે કેબિનેટ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અને રાજ્યના વન મંત્રી ગણપત વસાવા કોરોનાથી સંક્રમિત થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની સાથે તેમની પુત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળ્યા છે. મંત્રી દિલીપ ઠાકોર અને તેમના પુત્રી બંને હોમ આઈસોલેટ થયા છે. જયારે રાજ્યના વન મંત્રી ગણપત વસાવા અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેશે.આ બંને મંત્રીઓ ઉપરાંત ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીતા પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે ડેપ્યુટી મેયર ગીતા પટેલ હોમ ક્વોરન્ટાઈન થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના ગ્રસ્ત
રાજ્યના વધુ એક ધારાસભ્ય એવા કોંગ્રેસના પ્રવીણ મૂછડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના જામનગર જિલ્લાના કાલાવાડ ધારાસભ્ય પ્રવીણ મૂછડિયાનો કોરોના ટેસ્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેઓ તબીબોની દેખરેખ હેઠળ હોમ આઈસોલેટ થયા છે.