ગાંધીનગર-
રાજ્યનું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની પ્રજાને ભરોસો આપ્યો હતો કે બજેટ તેમના વિશ્વાસ પર ખરૂં ઉતરશે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને પગલે રાજ્યના અર્થતંત્રને ભારે અસર થઈ છે અને લોકોને પણ અસર થઈ છે. તેમણે ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા જેવી જોગવાઈઓ બાબતે કહ્યું હતું કે, તેમાં એવા પ્રકારના ફેરફારો કરવામાં આવશે જેથી પ્રજાને રાહત મળે અને સાથે જ વિકાસની રફતાર પણ ધીમી પડે નહીં.
તેમણે કહ્યું હતું કે, બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવશે જેથી ઉદ્યોગ-ધંધાનો વિકાસ થાય રોજગારીની તકો ઊભી થાય અને વિકાસદર જળવાઈ રહે. નાણામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બજેટની જોગવાઈઓ એકંદરે રાજ્યના લોકોને માટે રાહત આપનારી અને વિકાસની જરૂરતોને પૂરી કરનારી રહેશે.