ઊંડાણ

હું બાપુજી સામે ગયો. બાપુજી પલંગ પર લીલા ઓછાડ પાથરેલા ગાદલા પર સૂતા હતાં. બધી સોય-નળી કાઢી લીધી હતી. છેલ્લા સાત-સાત દિવસની ડૉક્ટરની મહેનત છતાં બાપુજી એક પણ શબ્દ બોલ્યા નહીં. પથારી જ હવે એની જિંદગી બની ગઈ. જીવ જાણે ખાલી અંદરને અંદર ગુંગળાઈને ફરતો હતો. શરીરમાં બીજાે કોઈ સંચાર રહ્યો નહોતો. હું તેમના પલંગ પાસે આવ્યો. બાપુજીએ મારી સામે જ નજર ચોંટાડી દીધી. હું લાચાર બનીને બાપુજીની સામે તાકી રહ્યો હતો. સદા હસતો રહેતો ચહેરો મૌન ધરબીને પડ્યો હતો.

પલંગ પર બાપુજીના પગ બાજુ હું બેઠો. તેમના ચામડી તણાઈને સંકોચાઈ ગયેલ પગ પર મેં હળવેકથી હાથ અડાડ્યો, તેમાંથી નીકળતી નરમાશ મારા હૃદય પર આવીને બેસી ગઈ. મારી આંખ ભીની થઈ ગઈ.

પાછળથી આવીને બાએ મારા ખભે હાથ મૂક્યો. મેં ડોક ફેરવીને બા તરફ જાેયું. મારી આંખમાંનું પાણી બહાર નીકળી આવ્યું. બાએ એ નોંધ્યું. મને ધરપત આપી, “બેટા, તારા બાપુએ તો પે'લેથી બધાને હસાવ્યા જ છે. એનો તો સ્વભાવ જ હસમુખો. તું આમ ઢીલો પડી જા એ તારા બાપુને ગમશે?”

મારા વાંસામાં બાએ હાથ ફેરવ્યો પછી કંઈક યાદ કરાવતા બોલ્યાં, “તને યાદ છે? તું નાનો હતો ત્યારે એકવાર એવો રિસાઈ ગયેલો કે કોઈ કાળે તું માનવા જ તૈયાર નો'તો થતો. ઢાળિયાના એક ખૂણામાં જઈને મોઢું ચડાવીને ચૂપચાપ બેસી ગયેલો. તારા બાપુજી તને ખૂબ મનાવ્યો પણ તું એક નો બે થયો જ નહીં.”

મેં બાપુજીના ચહેરા પર નજર નાખી, સ્થિર થયેલ આંખોમાં થીજી ગયેલ પાણી જાેયું. જેનું ઊંડાણ તાગવા હું મથ્યો પણ કશું હાથ લાગ્યું નહીં. ખાલી હાથે મનને પાછું વાળ્યું.

મેં બાને પૂછ્યું, “પછી બાપુજીએ મને મનાવવા શું કર્યું?”

થોડીક વાર રહીને મેં પૂછ્યું એટલે બા મારી સામે જાેય રહ્યા પછી બોલ્યા,

“તારા પેટ પર સહેજ અમથા આંગળા ફેરવીને ગલગલિયાં કર્યાં ને તું ખડખડાટ હસી પડ્યો. તારી બધી નારાજગી છૂમંતર થઈને ભાગી ગઈ હતી. પછી તે પણ ગલગલિયાં કરીને તારા બાપુને હસાવ્યા'તા.”

મને થયું; હું તો ક્યારનો બાપુજી સામે રડમસ થઈને ઊભો છું, પણ એ ક્યાં મને હસાવે છે! ચાલને હું જ પે'લા બાપુજીને હસાવું. મેં બાપુજીના પેટમાં ગલગલિયાં કર્યાં પણ બાપુજીનાં ચહેરા પર કોઈ ફેર પડ્યો નહીં. મેં ફરી ગલગલિયાં કર્યાં પણ... કોઈ સંચાર જ નહીં... તેમની થીજેલી આંખોનું પાણી બહાર ધજી આવ્યું તેના રેલા કાન સુધી પહોંચી ગયા.. એ જાેયને હું ગલગલિયાં કરતો જ રહ્યો... કરતો જ રહ્યો... રખેને તેમનું તળિયું આવી જાય ને હું તેમના ઊંડાણને તાગી શકું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution