વિષાદ પણ યોગ બની જીવનને નવી દિશા આપે?

શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ છે. વિષાદ એટલે ડિપ્રેશન. જેને વર્તમાન જગતનું મનોવિજ્ઞાન સાયકોલૉજિકલ ડિસઓર્ડર કહે છે તેને કૃષ્ણ દ્વારા યોગ કહેવામાં આવ્યો છે. આજે જ્યારે વિશ્વભરમાં મનોરોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે વિષાદના સંદર્ભમાં આ વિરોધાભાસી લાગતા મંતવ્યો ઉપર સમજણ મેળવવી ખૂબ જરૂરી છે. કારણ કે આ મનોરોગોની સીધી અસર આપણાં શરીર ઉપર થાય છે. જેના પરિણામ સ્વરૂપે મોટાભાગના વ્યક્તિઓ માનસિક શાંતિ, સંબંધોની મધુરતા અને શારીરિક તંદુરસ્તી જાળવવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનની સમસ્યાઓ સાથે સાથે સમાજમાં ફેલાતા ભાત ભાતના દૂષણોનું મુખ્ય કારણ પણ ક્યાંકને ક્યાંક આ મનોરોગો જ છે. શક્ય છે કે વિષાદના વિષયને કૃષ્ણના તત્વજ્ઞાન દ્વારા સમજવાથી જીવનના નવા આયામોમાં પ્રવેશ કરી શકાય.

સૌરભ પોતાના જીવનથી ખૂબ થાકી ગયો હતો. વારંવાર જીવનમાં મળતી નિષ્ફળતાઓને કારણે તે ઊંડી હતાશામાં ગરકાવ થઈ ગયો હતો. કોઈપણ નવું કાર્ય કરવાનું હોય કે કોઈ વ્યક્તિ સાથે મિટિંગ કરવાની હોય ત્યારે તેને ડર અને એકઝાંઇટીનો અનુભવ થતો હતો. પરંતુ દસેક વર્ષ પહેલા સૌરભની સ્થિતિ આવી ન હતી.

સૌરભના માતા પિતા બંને બિલકુલ સાદગી સાથેનું સરળ જીવન જીવતા હતા. બંનેના સ્વભાવમાં પ્રામાણિકતા, પ્રેમ અને સ્વાભિમાન જેવા નૈતિક મૂલ્યો છલકાઈ આવતા હતા જે તેમના જીવનને આંતરિક રીતે સુંદર બનાવી રહ્યા હતા. આ જ સકારાત્મક સંસ્કારો સૌરભની અંદર ઉતરી આવ્યા હતા. આર્થિક તંગીના કારણે સરકારી શાળામાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાળપણથી જ સૌરભની બુદ્ધિક્ષમતા બાકીના બાળકોની તુલનામાં ખૂબ વધારે હતી. તે કોઈપણ વિષયને ખૂબ ઝડપથી અને બિલકુલ સરળતાથી ગ્રહણ કરી લેતો હતો. તેનું ક્રિએટિવ માઇન્ડ હંમેશા કોઈક નવી એક્ટિવિટી કરવા માટે તત્પર રહેતું હતું. પરંતુ આટલી સારી બુદ્ધિક્ષમતા હોવા છતાં પણ તે પરીક્ષામાં હમેશા પાસિગ માર્કસ જ લાવતો હતો. જ્યારે તેના માતાપિતા તેને આ વિષે પૂછતાં ત્યારે તે કહેતો કે, “મને સમજણ તો બધી જ પડે છે પણ આ સ્ટ્રકચર્ડ (રેડિમેડ) નોલેજનો અભ્યાસ કરવામાં મને મજા નથી આવતી”. સરળ જીવન, ઉચ્ચ વિચારો અને સારી આદતોના કારણે સૌરભનું મિત્ર વર્તુળ પણ ખૂબ સિલેક્ટિવ અને સીમિત રહેતું હતું.

કોલેજકાળ દરમિયાન સૌરભ પોતાના ભવિષ્યના જીવનને લઈને બિલકુલ સ્પષ્ટ હતો. તે એક એવા પ્રેમમાં વિશ્વાસ ધરાવતો હતો કે જ્યાં બંને વ્યક્તિ એકબીજાના વ્યક્તિત્વ વિકાસમાં સહાયક બની શકે. તે એક પરિપક્વ અને સ્થિર મન ધરાવતી યુવતીને જીવનસાથી તરીકે ઈચ્છતો હતો. આવા સંજાેગોમાં સૌરભના જીવનમાં એક યુવતીનો પ્રવેશ થયો. શરૂઆતમાં સૌરભને તે યુવતી પ્રત્યે કોઈ આકર્ષણ ન હતું. પરંતુ યુવતી તરફથી વારંવાર પ્રેમનો પ્રસ્તાવ આવતા તેણે તેના માટે વિચારવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે યુવતીને યુપીએસસીની તૈયારી કરાવવા માટે મદદ કરતો હતો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ અને અંતે તે પ્રેમમાં પરિણમી. આ પ્રેમસંબંધ લગભગ સાત વર્ષ સુધી ચાલ્યો. આ વર્ષો દરમિયાન તેણે યુવતીને તેના અભ્યાસથી લઈને કેરિયર બનાવવામાં ખૂબ મદદ કરી હતી. તે આ સંબંધમાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ચૂક્યો હતો. સૌરભના માતાપિતા પણ આ લગ્ન સંબંધ માટે રાજી થઈ ગયા હતા. એટલું જ નહીં, તેઓ તો યુવતીના માતા પિતાને પણ મળવાની તૈયારી કરી ચૂક્યા હતા.

બીજી તરફ સૌરભની પ્રેમિકાના મનમાં આ લગ્નની ઈચ્છા ધીરે ધીરે મરી રહી હતી. પરંતુ તે સૌરભને આ વાત ખુલ્લા મનથી કહી શકતી ન હતી. પરંતુ જ્યારે સૌરભે લગ્નની વાત આગળ વધારવાનું કહ્યું ત્યારે તેણે હિંમત કરીને પોતાના મનની વાત સૌરભને જણાવી દીધી. તેણે કહ્યું કે, “સૌરભ, તું એક વ્યક્તિ અને મિત્ર તરીકે ખૂબ સારો છે પરંતુ હું તને મારા પ્રેમી કે પતિ તરીકે જીવનમાં નહીં સ્વીકારી શકું. હું એક રોમેન્ટિક અને હરવા ફરવાવાળા શોખીન યુવકને જીવનસાથી તરીકે ઈચ્છું છું. આટલા વર્ષો સાથે રહ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે તારૂં સાદગીથી ભરેલું વ્યક્તિત્વ ખૂબ ઉચ્ચ કક્ષાનું છે પરંતુ તે મારી ઈચ્છાઓ સાથે મેચ નથી થઈ રહ્યું. મને ડર છે કે કદાચ હું તારા પ્રેમ અને સમર્પણનો યોગ્ય બદલો તને નહીં આપી શકું. મને માફ કરી દે.” આમ કહીને તેણે સાત વર્ષના સંબંધોનો અંત લાવી દીધો અને ગણતરીના મહિનાઓમાં જ બીજે લગ્ન કરી લીધા. આ ઘટનાના કારણે સૌરભ ઊંડા વિષાદમાં સરી પડ્યો હતો. ધીરે ધીરે તે પોતાના દરેક કાર્યમાંથી વિચલિત થઈ રહ્યો હતો. તેના મનમાં ઉદભવતી નકારાત્મક ભાવનાઓ તેની બુદ્ધિ ઉપર હાવી થઈ જતી હતી. તે પોતાના કોઈપણ કામમાં ધ્યાન આપી શકતો ન હતો જેના કારણે તેને નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હતો. દિવસે દિવસે તે પોતાનું મૂળભૂત વ્યક્તિત્વ ગુમાવી રહ્યો હતો. આ વિષાદના કારણે સૌરભે લગ્ન નહીં કરવાનો ર્નિણય લીધો હતો.

મારી પાસે સૌરભ જ્યારે આવ્યો ત્યારે આ ઘટનાને લગભગ દશ વર્ષ વીતી ગયા હતા. તેની ઉંમર આજે ૪૨ વર્ષની થઈ ચૂકી હતી. પરંતુ આજે પણ તેના મનમાં એ જ સવાલો ઘૂમરાઈ રહ્યા હતા. તે આ વિષાદ સાથે જાેડાયેલી અન્ય માનસિક તકલીફોમાંથી બહાર આવવા માંગતો હતો.વાસ્તવમાં જ્યારે કોઈ વ્યક્તિ વિષાદનો અનુભવ કરે છે ત્યારપછી તે જે છે તેવું જ તેના માટે રહેવું સંભવ નથી હોતું. વિષાદના કારણે વ્યક્તિનું મૂળ વ્યક્તિત્વ નાશ પામે છે અને નવા વ્યક્તિત્વના જન્મની સંભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ સંભાવનાઓ બે પ્રકારની છે. ઊર્ધ્વગતિની અને અધોગતિની. જીવન પ્રત્યેની યોગ્ય સમજણ ધરાવનાર વ્યક્તિ વિષાદની ઘટનાનો ઉપયોગ કરીને ઊર્ધ્વગતિના માર્ગને અપનાવીને જીવનમાં વધુ ઉંચાઈઓને પ્રાપ્ત કરે છે. પરંતુ જે વ્યક્તિ પાસે જીવનની સાચી સમજણ નથી હોતી તે વિષાદના ચક્રવ્યૂહમાં ફસાઈને અધોગતિના માર્ગને અપનાવીને પોતાના જીવનને સંપૂર્ણ નષ્ટ કરી નાખે છે. હિપ્નોથેરાપી અને કાઉન્સેલિંગના સેશન દરમિયાન જ્યારે વિષાદ યોગની વાત કરવામાં આવી ત્યારે સૌરભને ખ્યાલ આવ્યો કે જાે વ્યક્તિ વિષાદની અવસ્થાનો ઉપયોગ કરવાની કળા શીખી લે તો તે એક ઉચ્ચ કોટિના જીવન સાથે જાેડાઈ શકે છે. જેમ જેમ સૌરભ આ વાતને સમજતો ગયો તેમ તેમ તેના અંતર મનમાં બદલાવ લાવવાની પ્રક્રિયા સરળ બનતી ગઈ. આજે તે પોતાના ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલીને એક નવા જીવનની શરૂઆત કરી ચૂક્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution