કોલકાતા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ચૂંટણી ઢુકડી હોવાથી હવે રાજકીય પક્ષો સમર્થકોને પોતાની તરફ ખેંચવાની મથામણમાં લાગી ગયા છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાંની મુલાકાતે આવશે. આ અગાઉ તૃમણૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ પદયાત્રા યોજીને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર સીએમ મમતા બેનરજીએ પદયાત્રા શરૂ કરી અને રેલીનો સંબોધતા પૂર્વે ભાજપ વિરુદ્ધ શંખનાદ પણ ફૂંક્યો હતો.
મમતા બેનરજીએ શ્યામ બજારથી રેડ રોડ સુધી પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે જ તેમણે પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ જમાવી રહેલા ભાજપને પોતાની તાકાતનો પણ પરચો આપ્યો હતો. અગાઉ મમતા બેનરજીએ પટક્ષલટો કરનાર પૂર્વ કેબિનેટ મંત્રી શુભેન્દુ અધિકારીના ગઢ નંદીગ્રામમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને રેલીમાં પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. ટીએમસીમાં ચૂંટણી આયોજનની જવાબદારી જેના પર છે તે પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે બંગાળમાં બંગાળમાં ભાજપ બે આંકડાથી આગળ વધી શકશે નહીં.
ભાજપ પશ્ચિમ બંગાળનો ગઢ સર કરવા પોતાની સમગ્ર તાકાત લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળની મુલાકાતે આવી રહ્યા છે. આ અગાઉ જ શુક્રવારે મમતા સરકારના વધુ એક મંત્રી રાજીવ બેનરજીએ પણ વન મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે શુભેન્દુની જેમ તેઓ પણ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન મોદીની મુલાકાતથી ભાજપને વધુ બળ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર પરાક્રમ દિવસે બંગાળની મુલાકાત લેશે. કોલકાતા ખાતે બપોરે તેઓ પહોંચશે. પીએમ મોદીની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. પીએમના આગમનથી ભાજપને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં વધુ બળ મળશે. ભાજપ આ વખતે કરો યા મરોની લડાઈ લડવાના મૂડમાં છે અને પાર્ટી પ્રચારની કોઈપણ તક જતી કરવા નથી ઈચ્છતી. અગાઉ નવરાત્રિ અને દુર્ગાપૂજા વખતે પણ વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીએ પાર્ટી કાર્યકરો અને સમર્થકોને સંબોધન કર્યું હતું.