નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. તેના પહેલા જ અહિંયા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. જમ્મુમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી વિરુદ્ધ ડોગરા ફ્રંટે મોરચો ખોલી વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. આ વિરોધ ગુપ્કરની બેઠક બાદ મહેબૂબા મુફ્તીએ આપેલા નિવેદનની વિરુદ્ધ છે જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દામાં એખ હિતેચ્છું છે. વિરોધ કરનારાઓની માંગ છે કે મહેબૂબા મુફ્તીને જેલની સજા આપવામાં આવે.
જમ્મુ કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરશે. આ અંગે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાતાવરણ પહેલાથી જ ગરમ થઈ ગયું હતું. હવે અહીં ડોગરા ફ્રંટના કાર્યકરોએ મહેબૂબા મુફ્તી સામે મોરચો ખોલ્યો છે. તેના પર પાકિસ્તાનનો રાગ આલાપવાનો આરોપ મૂકાયો છે.
મહેબૂબાના આ નિવેદન પર ઊભો થયો વિવાદ
મહેબૂબા મુફ્તીએ મીટિંગમાં પાકિસ્તાનનો સમાવેશ કરવાની વાત કરી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીર સમસ્યા હલ કરવા માટે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવી જોઇએ. તેમના નિવેદન બાદ રાજકારણ તીવ્ર બન્યુ છે. આ અગાઉ શિવસેના અને ભાજપે પણ મુફ્તી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વડા પ્રધાન જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરશે
આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલ 8 રાજકીય પક્ષોના 14 નેતાઓની સર્વપક્ષીય બેઠકમાં સીમાંકનના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. જો સૂત્રોની વાત માનવામાં આવે તો વડા પ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહા, વડા પ્રધાનના મુખ્ય સચિવ પી કે મિશ્રા, ગૃહ સચિવ અજય ભલ્લા અને કેટલાક અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ શકે છે.