દિલ્હી-
ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં ફરીથી લોકતંત્ર જોખમમાં આવી પડ્યું છે. અહીં પોપ્યુલર વોટથી ચૂંટાયેલા દેશના ખરા વડા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મ્યીંટની ધરપકડ કરી લેવાઈ છે. તેમની ધરપકડ કરી લીધા બાદ સેનાએ દેશમાં કટોકટી જાહેર કરી છે અને કહ્યું છે કે, દેશની તમામ ગતિવિધિઓ પર એક વર્ષ સુધી સેનાનું આધિપત્ય રહેશે. સેનાના કમાન્ડર-ઈન-ચીફ મિન-આંગ-હ્યાઈંગના હસ્તક તમામ સત્તાઓ સોંપી દેવાઈ હોવાના હેવાલો મળે છે. ભારતે હજી આ બાબતે કોઈ માન્યતા આપી નથી પરંતુ જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાક્રમ પર તે નજર રાખી રહ્યું છે.
મ્યાંમારની સેનાએ દાવો કર્યો છે કે, ચૂંટણી દરમિયાન છેતરપિંડી કરાઈ તેની સામે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. દેશના ભિન્ન ભાગોમાં આ તખ્તાપલટના ભાગરૂપે સેના તૈનાત કરી દેવાઈ છે. આ ઘટના પર અમેરીકા અને ઓસ્ટ્રેલિયા સહિતના અનેક વિદેશોએ ચિંતા વ્યક્ત કરી છે, અને અમેરીકાએ સમગ્ર ઘટનાક્રમને લોકતંત્રને ખોરંભે પાડવાની ગતિવિધિ ગણાવીને ચિમકી પણ ઉચ્ચારી છે કે, તખ્તાપલટ વેળાસર સમાપ્ત નહીં થાય તો, લોકતંત્રની જાળવણી માટે પગલાં લેવા અનિવાર્ય બનશે.