વડોદરા
શહેરના છેવાડે છાયાપુરી રેલવે સ્ટેશન પાસે ચાની લારી ધરાવતા ગરીબ પિતા-પુત્ર પાસે લારી ચલાવવા માટે હપ્તાની માગણી કરી તેમજ હપ્તો આપવાની ના પાડતા ચાર માથાભારે યુવકોએ ફિલ્મીઢબે પિતા-પુત્રને જાહેરમાં દંડા અને પાઈપથી ફટકારતા સમગ્ર વિસ્તારમાં ગુંડાઓના આતંકથી નાસભાગ મચી હતી. આ બનાવની છાણી પોલીસમાં ફરિયાદ કરવા છતાં ૨૪ કલાક બાદ પણ એક પણ આરોપીના પોલીસને સગડ મળી નહી શકતા છાણી પોલીસની ઢીલી કામગીરીથી છાયાપુરીના વેપારીઓમાં રોષ ફેલાયો છે.
છાણી ગામની માધવપાર્ક સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય અંકિત કમલભાઈ પરમાર છાયાપુરી રેલવે સ્ટેશનના ગેટ સામે છાયાપુરી બ્રિજ નીચે શ્રીરામ ચાની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. તેણે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગે હું તથા મારા પિતા અમારી ચાની લારી પર હાજર હતા. ધંધો શરૂ કરવા માટે મારા પિતા સામાન ગોઠવતા હતા અને હું ગલ્લા પર સામાન ખરીદવા પૈસા ગણતો હતો તે સમયે સમીર રાણા જે નાપાડ ગામનો છે અને અહી દાદાગીરી કરી લારી-ગલ્લાવાળા પાસેથી પૈસા ઉઘરાવે છે તે તથા છાણીગામના સંતોષીનગરમાં રહેતા જહાંગીર રાણા અને માસીન ઉર્ફ મોસલો રાણા અને તેઓનો અન્ય એક સાગરીત સાથે એક્ટિવા અને બાઈક પર દંડા-પાઈપ લઈને ઘસી આવ્યા હતા અને સમીર રાણાએ સીધા દંડાથી મને મારવા લાગ્યો હતો અને મને જણાવ્યું હતું કે તું હપ્તો કેમ નથી આપતો ? આ દરમિયાન માતા પિતા કમલભાઈ અને મારો મિત્ર મોહસીન શેખે દરમિયાનગીરી કરતા આ બંનેને પણ ઉક્ત ચારેય જણાએ પાઈપ અને દંડાના ફટકા માર્યા હતા અને સમીર રાણાએ ગલ્લા પર મુકેલા રોકડા ૭ હજાર અને મારો ૬ હજારનો ફોન સહિત ૧૩ હજારની મત્તાની લૂંટ ચલાવી હતી અને મને ગાળો બોલી ધમકી આપી હતી કે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ. ધમકી આપી ચારેય જણા બાજવા તરફ જતા રહ્યા હતા જેથી હું મારા પિતા અને મિત્ર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગયા હતા.’ આ વિગતોના પગલે છાણી પોલીસે ઉક્ત ચારેય માથાભારે યુવકો વિરુધ્ધ માત્ર લુંટ અને ધમકીનો ગુનો નોંધ્યો હતો.
છાણી વિસ્તારમાં તેમજ છાયાપુરી રેલવે સ્ટેશન પાસે લાંબા સમય માથાભારે ગુનેગારોનો હપ્તાખોરી માટે વેપારીઓને સતામણી થઈ રહી છે અને અગાઉ પણ રેલવે સ્ટેશન પાસે વારંવાર હુમલાના બનાવો બન્યા છે પરંતું છાણી પોલીસ મથકના વિવાદાસ્પદ વહીવટદાર હરપાલસિંહ સહિતના ડીસ્ટાફના જવાનોના છુપા આર્શિવાદ હોઈ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહી થતાં તેઓ બેફામ બન્યા છે. આ ફરિયાદના ૨૪ કલાક બાદ પણ છાણી પોલીસ એક પણ આરોપીઓને ઝડપી નહી શકતા આ વિસ્તારના વેપારીઓમાં છાણી પોલીસની ઢીલી કામગીરી સામે ભારે રોષ ફેલાયો છે.
માથાભારે આરોપી સામે ખંડણીની ગુનો નહી નોંધાતા આશ્ચર્ય
લારીધારક પાસે લારી ચલાવવા માટે હપ્તાની માગણી કરી તેમજ જાહેરમાં હથિયારો સાથે આંતક મચાવી હુમલો કરવામાં આવ્યો હોવાની ઈજાગ્રસ્ત લારીધારકે છાણી પોલીસમાં ફરિયાદમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે. ખંડણી પેટે હપ્તાની માગણી કરી હતી અને હપ્તો નહી મળતા હુમલો કરી મારી નાખવાની ધમકી આપવા છતા છાણી પોલીસે આરોપીઓ સામે ખંડણી અને હુમલાનો ગુનો નોંધવાના બદલે લુંટ અને ધમકીનો ગુનો નોંધતા આ ફરિયાદથી પોલીસ બેડામાં પણ આશ્ચર્ય ફેલાયું છે.