સંજેલીની ચાકીસણા પ્રાથમિક શાળાના તમામ સ્ટાફની બદલી તથા નવીન ઓરડાઓ બનાવવાની માગણી


દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની ચાકીસણા પ્રાથમિક શાળાનું પાયાનું શિક્ષણ સ્તર શાળાના શિક્ષકોની લાપરવાહીના કારણે અત્યંત કથળી જતા શાળામાં ભણવા આવતા ભૂલકાઓનું ભાવી અંધકારમય બનવાની શક્યતાઓ ડોકાતા ગ્રામજનો દ્વારા શાળાના શિક્ષકો સહિત આખે આખા સ્ટાફની બદલી કરવાની માગણી સાથેનું આવેદનપત્ર સંજેલી તાલુકા શિક્ષણાધિકારીને આપવામાં આવ્યું. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે રોડને અડીને આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સરકારના નિયમો મુજબ ભણાવતા નથી. અને શિક્ષણ કાર્ય પણ સરકારના નિયમો મુજબ નિભાવતા નથી. અને સાથે સાથે તેઓ સરકારના નિયમોની ઐસી તૈસી કરી શાળામાં નિયમિત આવતા ના હોય મનસ્વી રીતે ફરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે ગ્રામજનોએ તાલુકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને તારીખ ૧૧,-૯-૨૦૨૩ ના રોજ લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં શાળાના શિક્ષકો સામે કોઈ પગલા ન લેવાતા કે કાર્યવાહી હાથ ન ધરાતા શાળામાં આજ દિન સુધી શિક્ષણ કાર્યમાં કોઈ સુધારો આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોએ ચાકીસણા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત આખે આખા સ્ટાફની બદલી કરવાની માગણી સાથે આજે સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં વધુમાં જણાવવાનું છે કે ચાકીસણા સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ અત્યંત જર્જરીત હાલતમાં હોવાથી છતના પોપડા ઉખડીને અકસ્માતનો ભય વધારી રહ્યા છે. સાથે સાથે છતમાંથી પાણી ટપકતા વિદ્યાર્થીઓને પાણીમાં બેસી અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે. આ જર્જરીત ઓરડાઓનું સમારકામ તથા નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા કેટ કેટલીય વાર જિલ્લા તેમજ તાલુકાના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ સકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા શાળામાં ભણવા આવતા બાળકોને જાનનું જાેખમ હોય તે બાબતને ધ્યાને લઈ નવા ઓરડા બનાવવાની માગણી પણ આવેદન પત્રમાં કરવામાં આવી છે. અને આ માગણી દિન ૩૦ માં નહીં સંતોષાય તો ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution