પોરબંદર, પોરબંદર સહિત રાજ્યભરની ૧૨૦૦ બોટ અને ૫૬૦ માછીમારોને પાકિસ્તાનના કબજા માંથી મુક્ત કરવા અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી છે, માછીમારોની સુરક્ષા, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને મુક્ત કરાવવા અને બોટ અપહરણના કેસમાં માછીમારોને નવી બોટ બાંધવા સહાય સહિતના પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં કરી છે. રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના ૨૭૪ માછીમારોનું અપહરણ કરાયું છે. જેની સામે માત્ર ૫૫ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અને ગુજરાતના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જ્યારે ગુજરાતની ૧૨૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે. આ અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું જણાવ્યું છે કે ગુજરાતના જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, તેની ભારત સરકાર દ્વારા ઓળખ વિધિ કરવામાં આવતી ન હોવાથી તેમને વર્ષો સુધી જેલમાં રહેવું પડે છે.
જપ્ત કરેલ ડીઝલ પાસ બોટ માલિકોને પરત આપો
આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા ઓળંગવાના આરોપ સર જપ્ત કરેલ ડીઝલ પાસ અને પરવાનગી પત્રો બોટ માલિકોને પરત આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમા ઓળંગવાના આરોપસર માછીમારો પાસેથી ડીઝલ પાસ તેમજ પરવાનગી પત્રો જપ્ત કરી લેવામાં આવે છે, જે પરત આપવામાં આવે જણાવ્યું હતું.