માર્ચ ત્રિમાસિકમાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં એફએમસીજીની માગ ઊંચી - ચોમાસુ સારુ રહેવાની સ્થિતિમાં વેચાણમાં વધારો જોવા મળશે


મુંબઈ

 માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ની માગ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત જ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં એફએમસીજીનું વધુ વેચાણ જોવા મળ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.

વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારતમાં એફએમસીજી ઉત્પાદકો મંદ માગનો સામનો કરી રહ્યા છે. ઊંચા ભાવને કારણે ઉપભોગતાઓ બિનઆવશ્યક માલસામાન પાછળના ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે.

માર્ચ ત્રિમાસિકમાં એફએમસીજીના એકંદર વેચાણમાં વાર્ષિક ધોરણે ૬.૫૦ ટકા વધારો જોવા મળ્યો છે જે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૬ ટકા રહ્યો હોવાનું રિપોર્ટમાં નોૅંધવામાં આવ્યું છે.

વ્યક્તિગત સારસંભાળ તથા હોમ કેર સામાનની આગેવાની હેઠળ ગ્રામ્ય ભારતમાં વેચાણમાં ૭.૬૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે, જે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૫.૮૦ ટકા જોવા મળી હતી. આની સામે શહેરી વિસ્તારમાં વેચાણ વૃદ્ધિ ૬.૯૦ પરથી ઘટી ૫.૭૦ટકા રહી હતી.ખાધાખોરાકીના વેચાણમાં વધારાની સરખામણીએ ખાધાખોરાકી સિવાયની ચીજવસ્તુની વેચાણ વૃદ્ધિ બમણી રહી છે.

વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેવાની ધારણાં છે ત્યારે ચોમાસા બાદ અને લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ જવા બાદ ગ્રામ્ય વિસ્તારમાં માગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફુગાવો પ્રમાણમાં ઊંચો જોવા મળી રહ્યો છે જેને કારણે માગ પર અસર પડી છે. ફુગાવો ઘટાડવા રિઝર્વ બેન્કના સતત પ્રયાસો છતાં માર્ચનો ફુગાવો ૪.૮૫ ટકા રહ્યો હતો. જો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટથી ઊંચો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution