અમદાવાદ, સોનીની ચાલી પાસે ડિલિવરી બોયની બાઇકને ટ્રકે ટક્કર મારતા યુવક ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં તેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ઠક્કરનગરમાં રહેતા ઘેવરદાસ વૈષ્ણવ ખોખરા કાપડની દુકાનમાં નોકરી કરતા તેમજ ઝોમેટોમાં ડિલીવરી બોય તરીકે કામ કરતા હતા. ગત ૧ માર્ચે ઘેવરદાસ તેઓ બાઇક લઇને ઝોમેટોની ડિલિવરી કરવા માટે સોનીની ચાલીથી રાજેન્દ્ર પાર્ક તરફ જતા હતા ત્યારે હનુમાનનગરની સામે પહોચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા ઘેવરદાસ ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત કર્યા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ ભેગા થઇને ઘેવરદાસને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ઘેવરદાસનું મોત નિપજ્યુ હતુ. આ અંગે ઘેવરદાસની પત્નીએ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.