દિલ્હી-
પેટ્રોલ અને ડીઝલના ભાવ ભલે ૧૨ દિવસથી વધ્યા ન હોય પરંતુ સામાન્ય માણસને રોજ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. નાણા પ્રધાન ર્નિમલા સીતારામન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસથી લઈને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સુધી બધાએ તેલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ કંઇ નક્કર પરિણામ આવ્યું નથી.
નાણામંત્રી ર્નિમલા સીતારામને પણ સૂચન આપ્યું છે કે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવી જાેઈએ અને આ અંગે જીએસટી કાઉન્સિલમાં ચર્ચા થવી જાેઈએ, જ્યાં કેન્દ્ર અને તમામ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર હોય. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે દિલ્હી અને મુંબઇ સંમત થયા છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જાેઈએ. સંભવતઃ આ પહેલી વાર છે કે જે રાજ્યો મહેસુલમાં થયેલા નુકસાનને કારણે અત્યાર સુધી આ પગલું ભરવાથી બચી રહ્યા હતા, તે હવે આગળ આવીને જાતે જ અમલ કરવાની વાત કરી રહ્યા છે.
દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને એસેમ્બલીમાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે. ખરેખર, દિલ્હી વિધાનસભાના વિપક્ષી નેતા રામવીરસિંહ બિધૂડીએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જાે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે, તો કિંમતોમાં ૨૫ રૂપિયા ઘટાડો થશે. આ અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે તમે એક પ્રતિનિધિ મંડળ લઈને કેન્દ્ર સરકારને મળો, અમારા બધા ધારાસભ્યો તમારી સાથે ચાલશે. આ પગલાથી દિલ્હીની સાથે સાથે આખા દેશને ફાયદો થશે. આ પહેલા ચર્ચા દરમિયાન બિધૂડીએ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકારના ઉંચા વેટને કારણે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે.
દિલ્હીની સાથે મહારાષ્ટ્રએ પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે, જાે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને ફાયદો થશે. તેમણે ખાતરી આપી હતી કે જાે કેન્દ્ર સરકાર આ કરે તો મહારાષ્ટ્ર સરકાર આ ર્નિણયને સમર્થન આપશે.મજાની વાત તો એ છે કે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો માત્ર પેટ્રોલ અને ડીઝલ અંગે નિવેદનો આપી રહી છે, હજી સુધી કોઈએ સત્તાવાર દરખાસ્ત આપી નથી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સરકાર પાસે હજુ સુધી આવી કોઈ દરખાસ્ત આવી નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે જીએસટી કાઉન્સિલનો પ્રસ્તાવ જરૂરી છે, પરંતુ હજી સુધી આવુ થયુ નથી.