કશ્મીર-
રક્ષામંત્રી રાજનાથ સિંહ શનિવારના રોજ અમરનાથની મુલાકાતે પહોંચ્યા હતા. રક્ષામંત્રી 2 દિવસના લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે ત્યારે આજે સવારે તેઓ અમરનાથના દર્શને પહોંચ્યા હતા. તેમણે બરફાની બાબાના દર્શન કરી પૂજા પણ કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. આજે રાજનાથ સિંહ અમરનાથ યાત્રા પર પહોંચ્યા છે, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસી હતી.
લદ્દાખમાં રાજનાથસિંહે આડકતરી રીતે ચીનને ચેતવણી આપી હતી કે ભારતની એક ઇંચની જમીન કોઈ લઈ શકે નહીં. રાજનાથસિંહે એલએસી સુધી પહોંચી સૈનિકોને પ્રોત્સાહિત કર્યા. રાજનાથસિંહે કહ્યું કે અમને ભારતીય સેના પર ગર્વ છે.
લદ્દાખમાં સૈનિકોને સંબોધન કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. ભારતે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી કે અમે કોઈ પણ દેશની જમીન પર કબજો કર્યો નથી. ભારતે વસુધૈવ કુટુંબકમનો સંદેશ વિશ્વને આપ્યો છે.