સુરત, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતા લુમ્સના કામદારની તેના જ ઘરમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં પાછળ મિત્રો અને સંબંધીઓ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૂળ ઓરિસ્સાના ગંજામના વતની ૩૪ વર્ષીય નીલકંઠ જૂટીયા શેટ્ટી હાલમાં સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં રહેતો હતો. અને લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. પરિવારમાં માતા પત્ની અને ત્રણ સંતાન વતનમાં રહે છે. અને તે એકલો સુરતમાં રહેતો હતો. લુમ્સના કામદાર નીલકંઠની ગઈકાલે રાત્રે તેના જ ઘરમાંથી કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગઈકાલે રાત્રે નીલકંઠના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી પાડોશી એકઠા થયા હતા, અને તેના મિત્રો તથા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી, બાદમાં રમ ખોલી જોતાં તેમાંથી નીલકંઠની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ બાદ પોસ્ટમોર્ટમ માટે લાશને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. નીલકંઠના મોતના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લાશ ઊચકતી વખતે જમીન પર લોહીના નિશાન દેખાતા મિત્રો અને સંબંધીઓ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.