ગોપાલ પંચાલ : વડોદરા શહેરની સરકારી, ખાનગી અને કોવિડ-૧૯ની સારવાર આપતી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા સંખ્યાબંધ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. કોરોનાના મૃતદેહોને સમયસર સ્મશાને પહોંચાડવા માટે તેમજ અંતિમવિધિ માટેના ટ્રાન્સપોર્ટેશનની સાધન-સુવિધા એવી એમ્બ્યુલન્સ (શબવાહિની)ની અછત વર્તાઈ રહી છે. તો બીજી તરફ કોવિડ-૧૯ની ડેડબોડીઓ મુકવા માટે કોલ્ડરૂમ (શબઘર)ની સુવિધા ન હોવાને કારણે હોસ્પિટલના વોર્ડમાં અથવા તો વોર્ડની બહાર લોબીમાં કે અન્ય ખૂણામાં કલાકો સુધી ખૂલ્લી જગ્યામાં કોવિડની ડેડબોડીઓ મુકી રાખવામાં આવે છે, જેના તાદૃશ્ય કરતાં દૃશ્યો સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના નીચે એનસીઓટીના એક્સ-રે અને સોનોગ્રાફીની રૂમો સામે જાેવા મળી રહ્યા છે.
વડોદરામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ હાલ રોજ સરેરાશ ૧૨ થી ૧૫ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે, તેની સામે સેવાસદન તરફથી ફાયર બ્રિગેડની ૧૫ એમ્બ્યુલન્સો પૈકી માત્ર ૩ અને સયાજી હોસ્પિટલમાંથી ૧૬ એમ્બ્યુલન્સોમાંથી માત્ર ૨ એમ્બ્યુલન્સો (શબવાહિની) કોવિડના મૃતદેહોની કામગીરી માટે ફાળવવામાં આવી છે, જે કોરોનાના દર્દીઓના મૃત્યુઆંક સામે એમ્બ્યુલન્સો ખૂબ જ ઓછી અને અપૂરતી હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ઓછી શબવાહિનીઓને લીધે હાલના ડ્રાઈવરો અને સ્મશાનમાં કાર્યરત સેવકો પણ રાત-દિવસ સતત મહેનત કરવા મજબૂર બન્યા છે અને તેમના ઉપર કામનું ભારણ વધી ગયું છે. જેથી શબવાહિનીઓ વધારવાની તાતી જરૂરિયાત છે તેમ ઉમેર્યું હતું.
સ્થાનિક આરોગ્ય વિભાગના તંત્રે કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર સુવિધાઓ મળી રહે તે માટેની સાધન-સુવિધાઓ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ દર્દીઓના અને મૃતદેહોના ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધાઓ અપૂરતી હોવાથી તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના પરિવારજનો ઉપર પડી રહી છે અને એમ્બ્યુલન્સોના અભાવે દર્દીઓને ચાર-પાંચ કલાક હોસ્પિટલમાં પડી રહેવાની નોબત આવી પડી છે, જેના પરિણામે દર્દીઓના સગાંઓ તથા મૃતકના સગાંઓને પડયા ઉપર પાટું મારવા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.
ફાયર બ્રિગેડે ૧૫ માંથી ૩ અને સયાજીમાં ૧૬ પૈકી ૫ એમ્બ્યુલન્સ (શબવાહિની) ફાળવી છે
વડોદરા. કોરોનાની મહામારીમાં કોરોનાના દર્દીઓની સેવામાં સયાજી હોસ્પિટલ, ફાયર બ્રિગેડ અને ગોત્રી હોસ્પિટલની સરકારી એમ્બ્યુલન્સો ઉપર નજર કરવામાં આવે તો સયાજી હોસ્પિટલમાં હાલના તબક્કે નાની મોટી કુલ ૧૫ એમ્બ્યુલન્સો છે, જેમાં ચાર ભંગાર કન્ડિશનમાં પડી રહી છે, બે વીઆઈપી માટે સ્ટેન્ડબાય રખાઈ છે, એક સામાન્ય દર્દીઓની સેવામાં છે. જ્યારે બે એમ્બ્યુલન્સો કોવિડ-૧૯ની કામગીરીમાં ફાળવવામાં આવી છે. ફાયર બ્રિગેડની કુલ ૧૫ એમ્બ્યુલન્સોમાંથી ૩ એમ્બ્યુલન્સ કોવિડની કામગીરી માટે ફાળવવામાં આવી છે અને ૧૨ એમ્બ્યુલન્સ જનરલ સેવાઓ માટે રખાઈ છે, જ્યારે ગોત્રીની બે એમ્બ્યુલન્સ પોતાની હોસ્પિટલની સેવાઓ માટે રખાઈ છે.