બળાત્કાર માટે મૃત્યુદંડના કાયદા માત્રથી નારી સુરક્ષિત નહીં થાય, સામાજિક વાતાવરણમાં પણ પરિવર્તન લાવવું પડશે

ભારતમાં મહિલાની જાતિય સતામણી અને બળાત્કાર જેવા જઘન્ય અપરાધો વારંવાર બની રહ્યા છે. અને આવી દરેક ઘટના પછી બળાત્કારની સજા વધુને વધુ સખત કરવા માટે માંગ ઉભી થાય છે. તાજેતરમાં કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના બનાવ પછી પશ્ચિમ બંગાળ સરકારે બળાત્કાર માટે મૃત્યુદંડની જાેગવાઈ કરતું બીલ પસાર કર્યું છે તે આવકાર્ય બાબત છે. પરંતુ માત્ર સખત કાનુનથી આવા બનાવો રોકી શકાશે નહીં. તેની સાથોસાથ નારીસુરક્ષા માટે સામાજિક વાતાવરણનું પણ નિર્માણ કરવું પડશે.

દરેક જઘન્ય જાતિય અપરાધ પછી કડક કાયદા માટે હોબાળો થાય અને વટહુકમ બહાર પાડીને અથવા બિલ પસાર કરીને તેને અનુલક્ષીને પ્રક્રિયા થાય એ સામાન્ય બાબત બની ગઈ છે. છતાં આવી ઘટનાઓ અટકતી નથી. ૨૦૧૩માં દિલ્હીમાં એક મહિલા પર બળાત્કારની ઘટના બાદ ફોજદારી કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોએ જાતિય શોષણ માટે સજા વધારવા માટે સુધારા કર્યા. હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સર્વસંમતિથી, ‘અપરાજિતા મહિલા અને બાળકો(પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ) બિલ,૨૦૨૪’ અવાજ મત દ્વારા પસાર કર્યું.

૯ ઓગસ્ટના રોજ કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી, જેના કારણે ન્યાયની માંગ સતત ગુંજતી રહી હતી. આ બિલ નવા દંડ સંહિતા,ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમોમાં સુધારો કરીને બળાત્કાર માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની જાેગવાઈ કરે છે. હકીકતમાં, પાંચ ગુનાઓ માટે મૃત્યુદંડની જાેગવાઈ છે - બળાત્કાર; પોલીસ અધિકારી અથવા જાહેર સેવક દ્વારા બળાત્કાર; બળાત્કારના પરિણામે મૃત્યુ અથવા પીડિતાના કાયમી કોમા; સામૂહિક બળાત્કાર; અને ગુનાનું પુનરાવર્તન કરવા પર. આ ખરડો આવા ગુનાઓની સમયમર્યાદા ટ્રાયલ માટે વિશેષ અદાલતોની જાેગવાઈ કરવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં સુધારો કરવા માંગે છે, અને જાતીય હુમલાના ઉગ્ર સ્વરૂપોના કેસોમાં મૃત્યુદંડની જાેગવાઈ કરે છે. કાયદાના સુધારા માટે રાષ્ટ્રપતિની સંમતિની જરૂર પડશે.

મૃત્યુદંડ લાદવાથી જાતિય ગુનાઓ અટકે છે, તે તર્ક ભુલભરેલો છે, છતાં આવા ગુનાઓ બને ત્યારે વધુ કડક કાયદાઓ બનાવવાની માંગણી ઉભી થતી જાેવા મળે છે. મમતા બેનર્જીએ પણ કાયદાની મર્યાદાનો સ્વીકાર કરતા આ બીલ રજુ કરતી વખતે જણાવ્યું હતું કે બળાત્કાર એ માનવતા માટે એક અભિશાપ છે અને આવા ગુનાઓને રોકવા માટે સામાજિક સુધારાની જરૂર છે.

બંગાળમાં બનેલો બનાવ એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે રાજકીય સ્પર્ધા બની ગઈ છે એ પણ દુઃખદ છે. દરેક સરકારની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે કાયદાનો અસરકારક રીતે અમલ થાય અને પોલીસ જાતિય હુમલાને રોકવા અને સજા કરવા માટે પક્ષપાત વિના કામ કરે. જાે મહિલાઓના ઘર અને કાર્યસ્થળને સુરક્ષિત બનાવીને મહિલાઓની પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવામાં આવે તો વધુ સારી રીતે ન્યાય મળી શકે છે.

આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સામાજિક વાતાવરણમાં પરિવર્તન જ્યાં સુધી લાવવામાં નહીં આવે ત્યાં સુધી કાયદાઓમાં સુધારા કરવા માત્રથી પરિણામ મળી શકશે નહીં. ઘરમાં, ઓફિસોમાં, જાહેર સ્થળોમાં મહિલા પોતાની જાતને સુરક્ષિત અનુભવે તે માટે વૈચારિક ઝુંબેશ આદરવી જરૂરી છે. તે ઉપરાંત પોર્નોગ્રાફી,ડ્રગ્સ,દારૂ વગેરે દુષણો જે ગુનો આચરવા માટે પ્રેરિત કરે છે તેના પર પણ કડક અંકુશ મુકવાની તાતી આવશ્યકતા છે. મહિલાને સન્માનની દ્રષ્ટિથી જાેવાની માનસિકતા સમાજમાં ઉભી થાય અને તેની સુરક્ષાને દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ સમજે તેવું વાતાવરણ સર્જાય ત્યારે જ આવા ગુનાઓ બનતા અટકશે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution