ગોત્રી ખાતે રિયલ એસ્ટેટ બ્રોકરનું મોત : આપઘાત કે હત્યાની આશંકા

વડોદરા, તા.૪ 

વડોદરા શહેરના ગોત્રી સુદામાનગર પાસે શિવમ્‌ ફલેટમાં રહેતા બ્રોકરે હાથની નસો કાપ્યા બાદ પાંચમા માળેથી પડતું મૂકતાં મોતને ભેટયા હતા. જા કે, આ આપઘાતના રહસ્યના વમળો સર્જનાર આ બનાવમાં બ્રોકરે આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરાઈ છે તે અંગે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. જા કે, તેમના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આપઘાત કર્યાનું તથા પાંચમા માળેથી પડતું મૂકતાં તેમના માથામાં તથા કમર તૂટી જવાના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ સપાટી પર આવ્યું છે.

પોલીસ તેમજ પરિવારના સદસ્યોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ગોત્રી સુદામાનગર પાસે શિવમ્‌ ફલેટના પ્રથમ માળે ૧૦૨ નંબરમાં રહેતા દિલીપભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (ઉં.વ.૫૪) પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા. દિલીપભાઈ દેસાઈ ઘણાં સમયથી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જ્યારે તેમનો પુત્ર સિવિલ એન્જિનિયર તથા તેમની પુત્રવધૂ ટેકનોક્રિયેટ હોઈ બંને દિલ્હી ખાતે ઉચ્ચ પદવી પર જાબ સાથે સ્થાયી થયાં હતાં. તેઓ બંને પુત્ર-પુત્રવધૂ ત્રણ-ચાર દિવસથી પિતા સાથે રહેવા આવ્યા હતા. આજે વહેલી સવારે રહસ્યના વમળો સર્જાતાં ફલેટની નીચે આવેલી દુકાનના છત ઉપરથી તેઓના હાથની નસો કાપેલી હાલતમાં લોહીથી લથપથ મૃતદેહ જાવા મળતાં વિસ્તારમાં તેમજ ફલેટના રહીશોમાં ચકચાર મચી જવા પામી હતી. તેમના ઘરમાંથી લોહીના ડાઘાવાળું ઓશિકું પણ મળી આવ્યું છે. દિલીપભાઈ પહેલા માળેથી લિફટમાં બેસીને ગયા હતા કે તેમને કોઈ લઈ ગયું તે અંગેની ગોત્રી પોલીસ તપાસ કરી રહી છે.

આ ચકચારી બનાવ અંગેની જાણ ગોત્રી પોલીસને થતાં ઈનચાર્જ પીઆઈ વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારી એસીપી એવ.વી.રાજગોર તેમજ પોલીસસ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને લાશનો કબજા મેળવી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. તદ્‌ઉપરાંત આ સાથે રહસ્યમય સંજાગોમાં મોતને ભેટેલા દિલીપભાઈ દેસાઈના મોતનું ચોકક્કસ કારણ જાણવા માટે વિગત મેળવવા માટે મૃતક દિલીપભાઈના પત્ની, પુત્ર, પુત્રવધૂ સહિત આડોશપાડોશ તથા મિત્રવર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે. બપોર બાદ હાથ ધરાયેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ આપઘાત તથા પાંચમા માળેથી પડવાથી માથામાં તેમજ કમર તૂટી જવાથી મોત થયાનું સપાટી પર આવ્યું છે. અલબત્ત, આ ભેદભરમવાળી સર્જાયેલી ઘટનામાં પોલીસે એફએસએલની પણ મદદ લેવામાં આવી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસની આપઘાત અને હત્યા થિયરી ૫ર તપાસ

ગોત્રી વિસ્તારના શિવમ્‌ ફલેટમાં આજે રિયલ એસ્ટેટ બ્રોકરના ચકચારી બનાવમાં પોલીસ મોતના મામલે આપઘાત અને હત્યા બંને થિયેરી પર તપાસ કરી રહી છે. પોલીસે દિલીપભાઈના મોતની તપાસમાં એક મહિલાની સઘન પૂછપરછ હાથ ધરી છે અને બનાવના સ્થળેથી એક ટી-શર્ટ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે દિલીપભાઈના મોત પાછળનું રહસ્ય ખોલી શકે તેવી શંકા સેવાઈ રહી છે. હાથની નસો કાપવા માટે દિલીપભાઈને ત્રણ ચપ્પુની શા માટે જરૂર પડી? તેમને પાંચમા માળેથી પડતું મૂકતાં પહેલાં માળે લાગેલા એ.સી.ના કોમ્પ્રેસર પર પટકાયા તો કોઈને અવાજ સુધ્ધાં કેમ ન આવ્ય? બંને હાથની નસો કાપ્યા બાદ તેઓ જાતે જ લિફટમાં બેસીને પાંચમા માળ સુધી ગયા તો લિફટમાં લોહીનું એક પણ ટીપું જાવા મળ્યું નહોતું વગેરે કારણો સાથે ગોત્રી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution