પ્રિય વાદળ, ભાડે મળશે તું ?

વરસાદ તો વરસ્યો છે ને વરસવાનો પણ! એ ટીપાની છમ-છમમાં મંત્ર સાંભળવા કાન ઋષિના જાેઈએ! એ વરસતી ધારમાંથી અમૃત પામવા સ્વાદ-ગ્રંથિ સંતની જાેઈએ! એ બૂંદોને નિરખવા આંખ કુંવારી જાેઈએ! ને વરસાદને માણવા માણસ અલગારી જાેઈએ! કારણ કે વરસાદ કોઈ સૂફીના નૃત્ય જેવો છે! વરસાદ કોઈ ફકીરના મિજાજ જેવો છે! વરસાદ કોઈ પીરના અંદાઝ જેવો છે!

બારીશ મીરાંની દિવાનગી જેવી છે! બારીશને મર્યાદાની કોઈ લક્ષ્મણરેખા નડી ન શકે! બારીશ વાદળના વસ્ત્રોમાંથી નીતરે છે, એટલે બારીશનું ચીરહરણ સંભવ નથી! બારીશ મોનાલીસાના સ્મિત જેવી અકળ છે ને બારીશ મીનાકુમારીના આંસુ જેવી ર્નિમળ છે! મધુબાલાનું સદાબહાર સ્મિત જાણે કો’ બારીશની ગીફ્ટ છે અને માધુરી દિક્ષિતની નમ આંખો બારીશ જાણે કોઈ શિફ્ટ છે!

...પણ માણસની તકલીફ કે વરસાદ વેંચાતો ન મળે! આ વખતે વરસાદ એકવાર ફેસ ટુ ફેસ ટોક કરી લઈએ, કારણ કે! મનનું મનમાં રાખીને મરવું, એ શું મરવું! ચલો, કહી તો દઈએ જે હોય કહેવું!

વા વાયાને વાદળ ઉમટ્યા...

એ! એક ખુલ્લો પત્ર વાદળ તારે નામ...

પ્રિય વાદળ, ભાડે મળશે તું ? જાેઈએ તો બમણું ભાડું રાખજે. ના, તને કહી દઉં, હમણાં વેચાતો લેવો નહીં ફાવે, સૂરજને હપ્તા ચૂકવવાના, જંગલના ઝાંડવાઓને ભાઈ-બાપા કરવાના, પવનને કહેવું તાનારીરી છેડ.. વેડફવા માટે એટલો વખત ક્યાં છે બાપ? મને તો તું માપીને-કાપીને આપ! એટલે ભાડે ફાવશે...

ધંધામાં ચોખવટ પહેલી! ચાલ, શરતો કહીં દઉં! કહે ત્યાં સહી કરી દઉં! આપણે પાણી ગંગાનું જાેશે,થેમ્સ નહીં ચાલે! ને જે દિ’ કહું કે જાેઈએ, તારાથી નહીં કહેવાય કે કાલે! મારા એક ઈશારા પર,સૂરજ શરમાવો જાેઈએ! ને પાંપણ ઢાળું તો ચાંદ,વાદળમાં છુપાવો જાેઈએ! વીજળી એટલીવાર સુધી ચમકવી જાેઈએ, કે હું મોતી પરોવી શકું! મારી આંખો ગોરંભાય ત્યારે ધાર બેફામ વરસવી જાેઈએ, કે હું મનફાવે તેટલું રોઈ શકું! એય! માટીની ભીની ગંધ, તું મારામાં વાવી શકે?! જેમ તું મારા લોહીમાં,ધગધગતો ઉછાળ લાવી શકે! જાે! મારા ટાઈમ-ટેબલનું ઠેકાણું નહીં ને, વળી, હોય મારે સાડા-સત્તર કામ! મારી અનુકૂળતા તું ન સાચવે તો, ચૂકવું નહીં ફૂટી કોડી કે બે બદામ!

હું કહું તો આગળ-આગળ, બૂંદો વેરતા તારે ચાલવું! ને હું ચાહું તો પાછળ-પાછળ, શિશ નમાવીને પણ મ્હાલવું! વાદળને પાને પાને તારે, ગીત મારૂં લખવું! ને જે સરનામું આપું ત્યાં તારે,વરસતા-વરસતા ટહુકવું! મારી ઈચ્છા કાજે તારે, સમીરને કરવા દેવી લ્હેર! ને છમ-છમ નાચતી બૂંદોને, પહેરાવવી પાયલની સેર! કહેડાવું ત્યારે તારે મોકલવું, વંટોળિયા તોફાનથીછલકાતું પૂર! બે હૃદયને એક કરી દે,એવું જગાડવું સૂરૂર! ગામ આખું તડકે બળે ને,મારી અગાશીએ ઝૂલા મેધધનુષના મલકાય! અરે! રે! છેતરામણું રૂપ તો, લોકોથી શે સહેવાય!

સૂર્ય ડૂબે, ચાંદ ઉગે,દિ’ એવો કોઈ અવસર હોય! વિચાર તો કર ત્યારે, તરસ કેટલી સરસ હોય! જિંદગીના ધગધગતા રણમાં ,પગપાળા ચાલે તો જાણે! આદમની જાત આ ભૈ’સાબ, તસ્વીરની બારીશને કેમ કરી માણે?! અતૃપ્તિનો વળગાડ અમને, તું અધધ જગાડ તેને, કાં મટાડ! કાં શરીર તારૂં આઘે ઉતારી, ચપોચપ ગળે લગાડ! અમે આસુંના આંધળા ને, એમાં લાગ્યા વસવસાના તીર! તું અલગારી ફકીર માણસ,ક્યાંથી જાણે પીડ?! અમે વાવ્યા ઉજાગરા, કુંવારી આંખ્યુની રાતમાં! તું જાગરણ મોકલને! આ વખતે વરસાદમાં! અમારા અષાઢ-શ્રાવણના વિસામા, અમારા અશ્રુઓના છાના-છાના ગાનમાં! ને તોય અમારે, હસવાનું, રાતા ગાલવાળી જિંદગીના માનમાં! અમે તો હથેળીમાંય,નાવડી હંકારી લઈશું! વરસ તો! ને છતાં માંગનારને ધોધમાર ધરીશું! દે દરસ તો! તું કાં હોઠ સીવીને બેઠો કાંઈક બોલ ને! તને ક્યાં નડે એકૈય કરમ, દિલ ખોલ ને! ઓ હલ્લો!

મિસ્ટર વરસાદ! મીસીસ બારીશ! તમે પણ અમારી જેમ, બસ કહેવાને સ્વતંત્ર!? તમારે પણ જીવવાનું,

જાણે તું પણ હો કોઈ યંત્ર?! માણસનું મન હોય કે વાદળનું તન! વરસી તો એ જ શકે જે પીગળી શકે!

વાદળ પીગળે છે, તેથી જ તો વરસી શકે છે! કમ સે કમ વરસમાં એક ઋતુ તો વર્ષાને નામે બોલે છે, માણસે વિચારવાનું મારૂં મનડું કે’દિ ડોલે છે?!

ઃ ઠ ફેક્ટર ઃ

તાજા કલમમાં વરસાદ જણાવે છે, તું ક્યારે તારા ‘હું’ ને પીગળાવે છે?!

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution