દુબઈમાં ત્રીજે દિવસે ઊઠીને બુર્જમાન મેટ્રો સ્ટેશન તરફ જવા નીકળી પડ્યા. રસ્તે ઓફિસ જતા લોકો પણ ખૂબ હતા.
પહેલાં ગયા જૂમેરા બીચ. આસપાસ વૈભવી મોટી હોટલો અને સામે ખુલ્લો ભૂરો દરિયો, સફેદ રેતી.
ત્યાંથી બસ નીકળી અને બેઠા ઘાટના બંગલાઓ વચ્ચેથી પસાર થઈ.
ગાઈડના કહેવા મુજબ આ દેશના મૂળ રહેવાસીઓને દરેકને રહેવા સરકાર એક બંગલો ફ્રી આપે છે. એનો છોકરો પુખ્ત થઈ પરણે તો તેને બીજાે બંગલો. એમનું રહેવા, ભણવા, મેડિકલ બધું રાજ્ય તરફથી.
દેશ ખુદ ૧૯૭૧થી જ અસ્તિત્વમાં આવ્યો હોઈ તે બધાની બીજી પેઢી છે. ૧૯૭૨માં છ આરબ રજવાડાએ એકત્ર થઈ યુનાઈટેડ આરબ અમિરાત દેશ કરેલો.
ત્યાંથી ગયા જુમેરા બીચ રિસોર્ટ જ્યાં લાલ પત્થરનો વોક વે છે અને પહોળા પાથ પર બેસવા માટે છત્રીઓ, સામે પામ ટ્રીની હાર છે. દૃશ્ય રમણીય છે. અહીંથી ગયા અલ સીફ.
અહીં સુંદર પામ ટ્રીની હાર હતી. બધાં ટ્રી એક સરખાં હોઈ કદાચ કૃત્રિમ હશે પણ સાચા જેવાં લાગતાં હશે. સારો એવો લાંબો વોકવે હતો. નજીક ચંપાનાં વૃક્ષો હતાં. સામે જ ભૂરા દરિયાની બીજી તરફ મોટાં, ઊંચાં સુંદર મકાનોની હાર દેખાતી હતી. એક ઊંધી વ્હેલ આકારના શેડમાં ઉપરથી નાનો ધોધ પડતો હતો તેમાં પલળીને આગળ જવાનો આનંદ માણ્યો.
બપોરે આશરે દોઢ વાગ્યા આસપાસ પહોંચ્યા દુબઈ ફ્રેમ. સોનેરી ડિઝાઇનમાં વચ્ચે કાચવાળાં બે વિશાળ પિલ્લરો એકબીજાથી વચ્ચે બ્રિજ દ્વારા જાેડાયેલ છે. તેમાં પણ ઉપર લિફ્ટથી જવાનું. રસ્તે જૂની ઊભા સળિયાવાળી બારીઓની અંદર જૂની સંસ્કૃતિ બતાવે. અમે નાનપણમાં જાેયેલ તેવું. દળવાની ઘંટી, હાથ સિલાઈનું સિંગર મશીન, પગ મશીન પર સિવતો દરજી અને કપડાંનું માપ લેવાની ટેપ અને કાતર, ધમણથી ગરમ લોઢું ફૂંકતો લુહાર વગેરે જાેયાં.
ઉપર લાંબી ગ્લાસ ફ્લોર પર ચાલતાં નીચે હોટેલ આસપાસનું ગાર્ડન વગેરે ખૂબ નાનાં દેખાય. આ જગ્યા ૫૦૦ ફૂટ ઊંચી છે એટલે ૫૧મે માળથી જાેવા બરાબર. ત્યાં પણ મોટી ગ્લાસ વોલ્સમાંથી ચારે તરફનું દુબઈ, દૂર રણ, દરિયાકાંઠો વગેરે દેખાય. ત્યાં પક્ષીની પાંખો જેવી જગ્યાઓમાં ઊભી સેલ્ફી લેવાના પોઇન્ટ પણ હતાં. ટીવી સ્ક્રીનમાં દેખાતાં નીચેના દૃશ્યને આંગળીઓથી ઝૂમ કરવાની પણ વ્યવસ્થા હતી. એનો પણ બુર્જ ખલીફાની જેમ અલગ જ અનુભવ થયો.
અંધારું થતાં આસપાસ ફરીથી એ જ દુબઈ ફ્રેમની સામે જ, ગાર્ડન ઓફ ગ્લો જાેવા ગયાં.
અમે રાત્રે ૮ વાગે ગાર્ડન ઓફ ગ્લો અને તેની સાથે ડાયનોસોર પાર્ક જાેયો. ડાયનોસોર જાણે ભાંભરતા હોય તેવા અવાજાે સાથે તેમના ગળા અને પેટની ચામડી પણ થરકે. ઘણું વાસ્તવિક જેવું લાગ્યું. કોઈ ડાયનોસોર મિટીયોરાઈટ અથડાવાથી પડી ગયું હોય અને બીજાં તેની આસપાસ ટોળે વળ્યાં હોય કે મા ડાયનોસોર બેબી ડાયનોસોર સાથે ઊભી અવાજાે કરતી હોય તેવું જાેયું.
પછી તરત જ ગયા ગ્લો ગાર્ડન. રંગીન લાઇટમાં અલગઅલગ ડિઝાઈનોવાળા ડોમવાળા રસ્તાઓમાંથી પસાર થવાનું, રંગબેરંગી વિશાળ સુરાહી, મોર, વિશાળ ફૂલો અને તેની રંગોળીઓ વગેરે રંગબેરંગી લાઈટથી બનાવેલું. બધી જ ડિઝાઈનો અદભુત હતી.
ડોલ્ફિન શો જાેવા ગયા જે એક મોટાં ગાર્ડનની અંદર એક ઓડિટોરિયમમાં છે. ડોલ્ફિન અને સી લાયનના અદભૂત ખેલ જાેયાં. તેઓ બે સી લાયન એકબીજાને વળગીને નૃત્ય કરે, માણસ ડોલ્ફિનની પીઠ પર બેસી સવારી કરતો ચારે તરફ ફરે, ડોલ્ફિન નાકથી ફૂટબોલ રમતી ઊંચે ટાર્ગેટ પર મારે, માણસ અને ડોલ્ફિન તથા બે ડોલ્ફિન સામસામા ફુટબોલથી રમે, સીલ આપણા હાથમાં બુકે આપી જાય, ડ્રોમાં વિજેતા થાય તેની ચિઠ્ઠી ડોલ્ફિન ઉપાડે અને તેને રોના કિનારા સુધી આપી આવે, મોં માં બ્રશ પકડી ડોલ્ફિન પેઇન્ટિંગ કરે વગેરે અને ઘણું વધુ એ સવા કલાકના શોમાં જાેયું.
આખરે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માટે વિશ્વના સહુથી બીઝી એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપડી અને અમદાવાદ આવ્યા.