કન્યા વિદાયની ઘડી આવી ગઈ. વાતાવરણ સંવેદના અને લાગણીઓથી વાદળ ઘેરાયા હોય એવું થઈ ગયું. હૃદયમાં આનંદની સાથે એક વલોપાત હતો. માત્ર માતાપિતા નહીં, પરંતુ લોહીના અને લાગણીના સંબંધથી જે સ્વજનો હતાં,અરે!કોઈ ઓળખાણ વગર ત્યાંથી એ ઘડીએ પસાર થઈ રહ્યાં હતાં એ સૌની આંખો ભીની હતી. અને કેટલાકની આંખોમાં તો ર્નિમળ મોતી જેવા અશ્રુબિંદુ તગતગી રહ્યાં હતાં. પ્રસંગ હતો સૌની લાડકી ગુડ્ડુની નવવધૂ તરીકે વિદાયનો. નવવધૂ એટલે દીકરીનો માતાના ગર્ભની બહાર નવો અવતાર જ ને!!
અને એક શિખામણ છૂટી. કદાચ હૈયાને વજ્ર જેવું કરીને શબ્દો બોલાયા હતાં.’ બેટા,પાછું વળીને ન જાેતી’. સ્વાભાવિક છે કે દીકરીની માને તો આ ઘડીએ આવજાે કહેવાનું ય ભાન ના હોય. વ્હાલના બધા શબ્દો હૈયામાં ગૂંગળાઈને માત્ર આંસુ બનીને વહી રહ્યાં હોય. ત્યારે કોઈ સ્વજન દિલ પર પથ્થર મૂકીને વિદાય લેતી દીકરીને આ કઠોર શિખામણ આપે છે, બેટા,પાછું વળીને ન જાેતી !!
કન્યા વિદાયની ઘડી એ ગર્ભ સંબંધ પૂરો થવાની,નવો અવતાર લેવાની ઘડી છે. ભારતીય સંસ્કૃતિ અને કુટુંબ પરંપરાઓમાં આનાથી વિકટ કોઈ ક્ષણ ના હોય એવું, જેણે પંડની દીકરીને ધૂમ ખર્ચો કરીને કે સાદગીથી વળાવી હોય એવો બાપ જ કહી શકે.
લગ્ન પછી બીજા ઘેર જવું એ એક નવા અધ્યાયની શરૂઆત છે. ભારતીય પરિવારોમાં દીકરીનો એ નવો અવતાર છે. મા બૂમો પાડીને થાકે, જાત જાતની ધમકીઓ આપે, વઢે તો પણ ઉઠવામાં આળસ કરતી દીકરી હવે રોજ સવારે કોઈના બૂમ બરાડાની રાહ જાેયા વગર જાતે ઉઠી જવાની છે.સાસરિયાં ક્રૂર હોય એવું કહેવાનો ભાવ નથી. પરંતુ લગ્ન થાય અને નવા ઘેર જાય ત્યારે દીકરીનું બચપણ સાચા અર્થમાં પૂરું થાય છે. એનામાં જવાબદારીની ભાવના જાગે છે, એટલે આ સ્વયમ શિસ્ત જાતે,આપોઆપ કેળવાય છે.પહેલા ઘડિયાળના કાંટા પર અછડતી નજર કરી, માથે ચાદર નાંખી ઊંઘવા યોગ્ય અંધારું કરી લેતી એ લાડકી હવે ઘડિયાળ જાેયા વગર ચાદર ફગાવી ઊભી થઈ જાય છે.એક ઘટના કેટલું મોટું પરિવર્તન આણે છે!!
અને શિખામણ પણ કેટલી અઘરી!! બેટા,પાછું વળીને ન જાેતી! છેક બચપણમાં કલાક બે કલાક કે પછી ચાર પાંચ કલાક માટે શાળા કોલેજ જતી વખતે જે દીકરી પાછું વળી વળીને મા દેખાય ત્યાં સુધી આવજાે,આવજાે કરતી હોય એ દીકરીને આવી શિખામણ સ્વીકારવી કેટલી અઘરી એ જાણવા દીકરીનો જન્મ લેવો પડે. બાકી શબ્દોમાં આ ભાવને ઊંડાણથી સમજવો અઘરો છે. આમ તો આ એક સમજદારીની શિખામણ છે. પરંતુ મા દીકરી માટે એનો સ્વીકાર હૈયાની ચીરફાડ વગર ના થઈ શકે.
આ શિખામણ પાછળ નવી પરિસ્થિતિને ઉમળકાથી વધાવી લેવા માટે દીકરીને તૈયાર કરવા, મનથી મજબૂત કરવાનો હેતુ છે.પાછું વળીને જાેવું એટલે મમતાના જૂના બંધનને નવેસરથી જીવંત કરવું. એમાં વાંધા જેવું કશું નથી. પણ નવા બંધનને અપનાવવામાં થોડા અંતરાયો આવી શકે. એટલે આ ડહાપણ એના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.એની સાથે પાછું વળીને ન જાેવાની શિખામણ નવા જીવનને સ્વીકારવાની સંકલ્પબદ્ધતાને સરળ બનાવવા માટે પણ આપવામાં આવે છે.
આવી કુટુંબ પરંપરાઓ ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવનની આગવી, અને માત્ર આગવી નહીં, રળિયામણી વિશેષતા ગણાય.
એવી એક બીજી પરંપરા છે દ્વાર પર આવેલા વરરાજાને, જીવન સાથીને યુગલ જીવન શરૂ કરવા ઉત્સુક કન્યા દ્વારા ચોખાથી વધાવવાની. તે સમયે દીકરીને દુલ્હે રાજા સામે જાેયા વગર, પ્રેમભીની એક નજર નાંખ્યા વગર ચોખા અને શુભ દ્રવ્યોથી વધાવવાનુ કહેવામાં આવે છે. એની પાછળનો પ્રેમાળ આશય વરરાજાને નજર ના લાગી જાય એવો હોવો જાેઈએ. આ એક પ્રકારે નવજીવનના સહચરને લાડ લડાવવવાનો સ્નેહાળ રિવાજ છે.
લગ્ન કે અન્ય શુભ પ્રસંગોએ ગ્રહ શાંતિ પૂજન કરાવવામાં આવે છે. સુરત બાજુ દક્ષિણ ગુજરાતની મીઠી જબાનમાં એને ઘરશાતક કહેવામાં આવે છે. લગભગ ભારતીય સનાતની લગ્નો, મંગળ પ્રસંગોમાં આ પરંપરા પ્રચલિત છે.હા,વિસ્તાર કે પ્રદેશ પ્રમાણે તે જુદાં જુદાં નામે ઓળખાય છે.
આ ઘરશાતક માટે ભૂદેવ દ્વારા કરવામાં આવતી પૂજા સ્થળની સજાવટ જાેવા જેવી હોય છે. નવી પેઢી નવી નવી રીતે પૂજાનો મંચ સજાવે છે. ચોખાનું શિવલિંગ બનાવે છે, નવ ગ્રહો માટે ચોખાની ઢગલી કરી નવ ગાદીઓ બનાવવી, માતાજી માટે લીલા મગની પીઠિકા, ગણપતિ દાદા માટે ઘઉંની પીઠિકા બનાવવી, દેવ દેવીની પસંદ પ્રમાણેગોળ,સુકો મેવો,પંચામૃત,રવાનો શીરો જેવા પ્રસાદના પડિયા ધરાવવા, ફૂલ માળા, છૂટા ફૂલ,મધ ઘી,શ્રીફળ, જવ,તલ કેટલું દ્રવ્ય પૂજામાં પ્રયોજાય અને ના હોય તો એના સરળ વિકલ્પ મહારાજ આપે. જેમ કે દેવને નાડાછડી ખેસની જેમ ઓઢાડો તો રેશમી વસ્ત્ર અર્પણ કર્યા બરાબર ગણાય! દેવ પૂજાનો મંચ સજાવતા પંડિત મયંક બાજપાઈ એ જણાવ્યું કે ગ્રહ શાંતિ પૂજન માટે પંદરેક મિનિટમાં સજાવટ થઈ જાય તો નવચંડી યજ્ઞની સજાવટ બે કલાક જેટલો સમય લે. યુવા પેઢીને ધાર્મિક પૂજન પરંપરાઓથી જાેડવામાં આ નવતર પ્રયોગો વધુ સફળ બને એવું લાગે છે.
પરિવારનો પ્રત્યેક પ્રસંગ ઉત્સાહ,ઉમંગ અને લાગણીઓ વ્યક્ત કરવાનું પર્વ છે. કન્યા વિદાય હૃદયદ્રાવક અવશ્ય છે પરંતુ નવા જીવનના મંગળ પ્રારંભનો હર્ષ એની સાથે જાેડાયેલો છે. એટલે જ વિદાય લેતી દીકરી, મા - બાપ,સ્વજનો અને જાેનારાઓ, બધાની એક આંખ વેદનાના આંસુથી અને બીજી આંખ હર્ષના આંસુ થી છલકાય છે.આ જ તો જિંદગી છે, જિંદગીનું સાર્થક્ય છે.