જમ્મુ-કાશ્મીરમાં“દરબાર મૂવ” પ્રથા ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની રહયો છે

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો અનેક પ્રકારના વચનો આપી રહ્યા છે. ‘કલમ ૩૭૦ની પુનઃસ્થાપનાનું વચન’ તો જાણીતું છે પણ, સ્થાનિક પક્ષો ‘દરબાર મૂવ’ સિસ્ટમ (દરબાર સ્થાનાંતરણ પ્રથા)ની પુનઃસ્થાપનાનું વચન પણ આપી રહી છે. ઓમર અબ્દુલ્લા અને અલ્તાફ બુખારી જેવા રાજ્યના દિગ્ગજ નેતાઓ જાે એમની સરકાર બનશે તો ‘દરબાર મૂવ’ સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાનું વચન આપવા લાગ્યા છે. ચાલો જાણીએ કે અચાનક જ ચૂંટણીનો મુદ્દો બની ગયેલી ‘દરબાર મૂવ’ સિસ્ટમ શું છે અને એને ચૂંટણી સાથે શું લાગેવળગે છે?જમ્મુ-કાશ્મીરમાં ‘દરબાર મૂવ’ પ્રથા ૧૫૦ વર્ષથી વધુ જૂની છે. તે ૨૦૨૧ માં નાબૂદ કરવામાં આવી હતી. આ પ્રથા અંતર્ગત દર છ મહિને જમ્મુ-કાશ્મીરની રાજધાની બદલવાનું ચલણ હતું. શિયાળામાં રાજધાની જમ્મુ રહેતી, જ્યારે ઉનાળામાં રાજધાની શ્રીનગર રહેતી. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શિયાળો શરૂ થાય એટલે રાજધાનીને શ્રીનગરથી જમ્મુ ખસેડવામાં આવતી અને એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ઉનાળો બેસે ત્યારે રાજધાનીને જમ્મુથી શ્રીનગર ખસેડવામાં આવતી. રાજધાની બદલવાની આ પ્રથા ‘દરબાર મૂવ’ કહેવાતી.દર છ મહિને રાજધાની બદલાતાં તમામ મહત્ત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને સચિવાલયોને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ખસેડવામાં આવતી. સ્થળાંતર દરમિયાન ફાઇલો અને માલસામાનને ટ્રકોમાં ભરીને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ લાવવામાં આવતાં. બંને શહેરો વચ્ચે ૩૦૦ કિલોમીટરનું અંતર કાપવું પડતું. નવા સ્થળે ૧૦ હજારથી વધુ

કર્મચારીઓના રહેઠાણની વ્યવસ્થા કરવી પડતી. આ બધા કામમાં પુષ્કળ સમય અને નાણાં ખર્ચાતાં, તોય અગાઉથી ચાલી આવતી હોવાથી આ પ્રથા દાયકાઓ સુધી ચાલુ રહી હતી. ‘દરબાર મૂવ’ની પ્રથા ૧૮૭૨માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં ડોગરા શાસક મહારાજા રણબીર સિંહનું રાજ હતું. માન્યતા એવી છે કે હવામાનને કારણે દરબારને જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ખસેડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.રાજધાની સ્થાનાંતર પાછળ માત્ર હવામાન જ નહીં, રાજકીય કારણો પણ જવાબદાર હતા, એવું માનવામાં આવે છે. ૧૮૭૦ના દાયકામાં વિજયી વાવટા લહેરાવતી રશિયન સેના અફઘાનિસ્તાન સુધી પહોંચી ગઈ હતી. એ પછી એમનો ડોળો કાશ્મીર ખીણ પર હતો. અંગ્રેજાેને ડર લાગ્યો કે રશિયનો કાશ્મીર ખીણ જીતી લેશે તેથી અંગ્રેજાેએ રાજ્યની સત્તા મહારાજા પાસેથી લઈ લીધી અને સલામતી માટે રાજધાનીના સ્થાનાંતરણની પ્રથા શરૂ કરી. ૧૮૭૩માં અંગ્રેજાેએ રશિયનો સાથે વાટાઘાટો કરીને સમજૂતી કરાર કર્યા. એ પછીના ૩૫ વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરના મહારાજા માત્ર નામના રાજા રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution