ડાંગ:
જિલ્લાની કોશિમદા-12 જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રથમ વખત ભાજપા અને કોંગ્રેસના બળિયા ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે. અહી ભાજપાનાં મેન્ડેન્ટ પરથી માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતનું ફોર્મ માન્ય થયું છે. જ્યારે કોંગ્રેસના મેન્ડેટ પરથી સ્થાનિક આગેવાન રાજેશભાઈ ગામીતનું ફોર્મ માન્ય થતા આ બેઠક કબ્જે કરવા માટે બંને પક્ષોમાં ખરાખરીનો જંગ જામશે.વ્યક્તિત્વ અને ધાર્મિક ફેક્ટર સામે કોશિમદા બેઠક ઉપર ટક્કર થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લામાં દરેક પક્ષનાં ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં જોડાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ યોજાશે. ત્યારે ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કોશિમદા-12 જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપમાંથી માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતનું ફોર્મ માન્ય થયું છે.
ડાંગ જિલ્લાની કોશિમદા બેઠક પર અંદાજીત 9,252 મતદારો નોંધાયેલા છે. જેમાંથી અંદાજીત 5,000 જેટલા મતદારો ખ્રિસ્તી સમાજના આવેલા છે. ત્યારે ડાંગ કોંગ્રેસ પક્ષ દ્વારા માસ્ટર સ્ટ્રોક રચીને અહી ભાજપાના ઉમેદવાર એવા ધારાસભ્ય મંગળભાઈ ગાવીત સામે કોંગ્રેસી-ખ્રિસ્તી આગેવાન એવા રાજેશભાઈ ગામીતને મેદાનમાં ઉતાર્યા છે. કોશિમદા જિલ્લા પંચાયત સીટ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ધાર્મિક ફેક્ટરને મહત્વ આપીને કોંગ્રેસી આગેવાન રાજેશભાઈ ગામીતને મેદાનમાં ઉતારી દાવપેચ ખેલ્યો છે. ત્યારે આવનારના સમયમાં કોશીમદા જિલ્લા પંચાયતની બેઠક ઉપર બંને બળિયાઓમાંથી કોણ બાજી મારશે તે પ્રશ્ન રાજકીય પંડિતો માટે પણ પેચીદો બની ગયો છે.