ડાંગ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લામાં ફોર્મ ચકાસણી સહિત ઉમેદવારીપત્રક ખેંચવાની અવધી પૂર્ણ થઇ છે. ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો આવી છે. આ 18 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી આહવા-2 જિલ્લા પંચાયતની બેઠક તથા દગડીઆંબા જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા જિલ્લાની આ બન્ને બેઠકો બિનહરીફ થવાની સાથે ભાજપાનાં ફાળે ગઈ છે. હાલમાં બાકીની 16 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાશે. જિલ્લા પંચાયતની કુલ 16 બેઠકો માટે અત્યારે 79 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ડાંગ જિલ્લાનાં 3 તાલુકા પંચાયતની કુલ 48 બેઠકો આવી છે. જેમાંથી સુબિર તાલુકાની દહેર બેઠક પર પણ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ થતાં એક બેઠક ભાજપાનાં ખાતામાં ગઈ છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતની 48 બેઠકો પૈકી 47 બેઠકો ઉપર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. આ ત્રણેય તાલુકા પંચાયતની કુલ 47 બેઠકો માટે 197 ઉમેદવારો મેદાનમાં છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 16 બેઠકો ઉપર, જ્યારે ત્રણેય તાલુકા પંચાયતની 47 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે.