દમણ-
દમણમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે. એવા સંજોગોમાં પક્ષના મેન્ડેટ વિના જ ચૂંટણી લડી રહેલા કાર્યકરો સામે ભાજપે કાર્યવાહી કરી હતી. દમણના કડૈયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં કલાવતીબેન નરેશભાઇ ભાજપ સમર્થિત ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના કાર્યકર દક્ષાબેન મહેશ પટેલે પાર્ટી વિરૂધ્ધ ચૂંટણી લડી રહ્યા હોવાની માહિતી મળતાં તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આટિયાવાડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉર્વશી જયેશ પટેલ ભાજપ સમર્થિત સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના જ દમણ જિલ્લા કારોબારી સભ્ય ધર્મેશ અર્જુન પટેલ તેમજ ગોવિંદ બાવાભાઇ પટેલ પાર્ટીના આદેશ વિરૂદ્ધ જઇ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ તેમને પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સોમનાથ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 8માં ભાજપ સમર્થિત ઉમેદવાર દિપીકાબેન વિપુલભાઇ પટેલે ઉમેદવારી કરી છે. જોકે, તેમની સામે ભાજપ મંડળ પ્રમુખ જયેશ નગીનભાઇ પટેલે પાર્ટી વિરૂદ્ધ જઇને ઉમેદવારી કરી હોવાનું જણાયું હતું. જેને પણ દમણ જિલ્લા ભાજપ પ્રમુખે 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે