રાજપીપળા, તા.૧૮
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૧૬ મીટરે પહોંચી છે.સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટનાં તમામ ૬ યુનિટી શરૂ કરાતા હાલ રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ ૨૭૩૨૬ મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ૨૫૭૧ મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં ૧૦૯૦૭ ક્યુસેક પાણી
છોડાય રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલે બનાવાયો છે કે સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સ્ટોર કરી વીજ ઉત્પાદ કરવા તથા પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવાઈ રહ્યો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું ૧૨ કિમીનું અંતર છે તો આ ૧૨ કિમિ સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.