દાહોદ સાંસદના માદરે વતન સિંગવડમાં તસ્કરોનો તરખાટ ચરમસીમાએ




દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સીંગવડ ગામે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત થઈ રહેલા વધારાને કારણે પોતાના જાનમાલનું જાતે જ કરવું પડશે તેવો ઘાટ સર્જાતા ગ્રામજનોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે. અને પોલીસ પોઇન્ટમાં વધારો કરવા તેમજ રાત્રી પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માગણી કરતું આવેદનપત્ર ગ્રામજનોએ રણધીકપુર પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટરને આપતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રંધીકપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સિંગવડ ગામે તસ્કરોનો તરખાટ દિન પ્રતિ દિન વધુને વધુ જાેવા મળી રહ્યો છે. તસ્કરોને પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેમ તસ્કરો બેખોફ પોતાના કામને અંજામ આપી ગ્રામજનોને રંજાડી રહ્યા છે. એક જ રાતમાં ચારથી પાંચ મકાનોના તાળા તૂટ્યા અને તેમાંય વળી એક મકાનમાંથી આશરે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી અંદાજે સવા લાખ રૂપિયાની મત્તાનો હાથ ફેરો કરી ગયાનું રણધીકપુર પોલીસ ચોપડે નોંધાયું છે. ગામનું રખોપું કરવાની જવાબદારી સરકારી જેના શિરે થોપી છે તેવી પોલીસ પણ સિંગવડ ખાતે હાલના તબક્કે લાચાર નજરે પડી રહી છે. આવા સમયે પોતાના રક્ષણ માટે ગ્રામજનોએ એકત્રિત થઈ રણધીકપુર પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ પોઇન્ટ વધારવા તેમજ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવાની માગણી કરી છે.

---------------------------

પોલીસ તંત્રની ઉડીને આંખે વળગે તેવી નિષ્ફળતા

છેલ્લા કેટલાય સમયથી સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા અને સમગ્ર જિલ્લાના વિકાસની જવાબદારી પોતાના શિરે લઈને ફરતા અને પક્ષમાં સંનિષ્ઠ છાપ ધરાવતા દાહોદના સાંસદના નાક નીચે જ પોતાના માદરે વતન વિસ્તારમાં તસ્કરોના તરખાટ સામે છતી થયેલી ઉડીને આંખે વળગે તેવી પોલીસ તંત્રની નિષ્ફળતા તેમજ તાજેતરમાં સિંગવડ તાલુકામાં કિસાન સન્માન નિધિ યોજનામાં કોઈની મિલીભગતથી જાણે અજાણે કરાયેલ છબરડો હાલ ઘણું બધું કહી જાય છે. ત્યારે આવા મુદ્દે સાંસદ પોતે ગ્રામજનોની મદદ આવે તેવું ગ્રામજનો હાલ ઇચ્છી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution