એસ.સી, એસ.ટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના ર્નિણયના વિરોધમાં દાહોદ જિલ્લો સજ્જડ બંધ રહ્યો.


એસ.સી, એસ.ટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના ર્નિણયના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનના પગલે દાહોદ જિલ્લાના તમામ વિસ્તારોમાં બંધની ખાસ્સી અસર જાેવા મળી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે જિલ્લામાં બંધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા તંત્રએ હાશકારો લીધો હતો. અનામત બચાવો સંઘર્ષ સમિતિએ એસ સી, એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના ર્નિણયના વિરોધમાં આજે ૨૧ મી ઓગસ્ટ બુધવારે આપેલા ભારત બંધના એલાનને કોંગ્રેસની સાથે સાથે દાહોદ જિલ્લાના દલિત સંગઠન, વિવિધ આદિવાસી સંગઠનો સહિતના કેટલાક સંગઠનોએ પણ બંધને સમર્થન જાહેર કરતા દાહોદ જિલ્લામાં આજે દાહોદ શહેરને બાદ કરતા જિલ્લાના લીમખેડા ગરબાડા, ગાંગરડી, ઝાલોદ, લીમડી, સંજેલી,સુખસર,ફતેપુરા તેમજ તાલુકાના અન્ય ગામો તેમજ ગામડાઓ પણ સજ્જડ બંધ રહ્યા હતા. બંધ દરમિયાન ઉપરોક્ત ગામોમાં ચા ની લારી કે પાનનો ગલ્લો સુધ્ધા બંધ રહેતા ચા તેમજ પાન મસાલાના બંધાણીઓને ચા તેમજ પાન મસાલા ગુટકા વિના તરસવું પડ્યું હતું. જ્યારે જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં સવારે થોડો સમય બજારો બંધ રહ્યા બાદ શહેરના મોટા ભાગના બજારો રાબેતા મુજબ ધમધમતા થયા હતા અને વાહન વ્યવહાર, શાળા, કોલેજાે, તેમજ બેંકો પણ રાબેતા મુજબ ચાલુ રહી હતી જેને પગલે દાહોદમાં બંધની મીલી જૂલી અસર જાેવા મળી હતી. બંધ દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે કોઈપણ તણાવને ટાળવા જિલ્લામાં તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જરૂરી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બનતા જિલ્લામાં આજનો બંધ એકંદરે શાંતિપૂર્ણ રહેતા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution