દાદાસાહેબ માવલંકરે માતાની ઈચ્છા માટે વકિલાતનો અભ્યાસ કર્યો

વર્ષો પહેલાની વાત છે, જ્યારે દેશને આઝાદી પણ મળી નહતી. વડોદરામાં એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો હતો. તેનું નામ ગણેશ રાખવામાં આવ્યું હતું. તેઓ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના માવલણ ગામથી આવીને ગુજરાતમાં વસ્યા હતા. એટલે તે કુટુંબ 'માવલંકર’ તરીકે ઓળખાયું હતું.

ગણેશના પિતા વાસુદેવની સરકારી નોકરી હતી. એટલે જ્યાં જ્યાં પિતાની બદલી થતી ત્યાં ત્યાં તેણે શાળા બદલી ભણવા જવું પડતું હતું. તેનું વિદ્યાર્થી તરીકેનું જીવન ખૂબ જ યશસ્વી હતું. વિશાળ વાંચન અને સતત ચર્ચાવિચારણાથી તેમણે ગુજરાતી ભાષા ખૂબ જ સારી રીતે શીખી લીધી હતી. તેમણે ભણીગણીને ડોકટર થવાની ઈચ્છા હતી. તેમણે ડોકટર બનવાના સપના પણ સેવ્યાં હતાં. પરંતુ તેમની માતાની ઈચ્છા તે વકીલાત કરે તેવી હતી. એટલે તેમણે માતાની ઈચ્છાને માન આપી વકીલાત કરવાનો ર્નિણય લીધો હતો. તેમણે કોલેજમાં બી.એ.ની ડીગ્રી હાંસલ કરી અને પછી મુંબઈની કાયદાશાસ્ત્રની કોલેજમાં જાેડાયાં, કાયદાની પરીક્ષાઓ તેમણે પ્રથમ વર્ગમાં પાસ કરી હતી.

કાયદાનો અભ્યાસ કરતાંની સાથે તેમનામાં દેશભક્તિની ભાવનાનો ખૂબ જ વિકાસ થયો હતો. બંગભંગની ચળવળ અને તિલક મહારાજના દેશનિકાલ જેવી ઘટનાઓથી તેઓ દેશ સેવા તરફ ખૂબ જ આકર્ષાયા હતાં.

ગુજરાતના રાજકીય, આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પ્રશ્નોના નિકાલ લાવવા 'ગુજરાત સભા’ નામની સંસ્થા અમદાવાદમાં ચાલતી હતી. જેમાં ગાંધીજી પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. ગણેશની કાર્યક્ષમતા જાેઈને કાર્યકરોએ તેમણે 'ગુજરાત સભા’ના સહમંત્રી તરીકે નીમ્યાં. તે રીતે તેમને જાહેર સેવાનો મોકો મળ્યો. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સાથ મળ્યો. તેમની ઠાંસોઠાંસ નિષ્ઠા અને પ્રામાણિકતાને કારણે તેઓ ગાંધીજી અને સરદારના સહપંથી બની ગયાં.

ગણેશ વાસુદેવ માવલંકર પોતાના અતિ પરિચિતોમાં 'દાદાસાહેબ’ના હુલામણા અને માનભર્યા નામથી ઓળખાતા હતાં. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને 'લોકસભાના પિતા’ કહીને અંજલિ આપી હતી.એ વખતે ભારતની પ્રજા લોકશાહીથી તદ્દન અજાણ હતી. અને રાજકીય પક્ષોના બળાબળની ખેંચતાણમાં જ્યારે શિષ્તની અછત વર્તાતી હતી તેવી પરિસ્થિતિમાં લોકસભાના અધ્યક્ષપદની કામગીરી ખૂબ જ કપરી બની ગઈ હતી. આવી કપરી કામગીરી દાદાસાહેબે ખૂબ જ કુશળતાપૂર્વક સફળતાથી કરી બતાવી હતી. તેમાં તેમના મહારાષ્ટ્રીયન અને ગુજરાતી સંસ્કારોએ ખૂબ ભાગ ભજવ્યો હતો.

દાદાસાહેબને રાજકારણ કરતાં રચનાત્મક સેવાકાર્યમાં વધુ રસ હતો. તેમની રુચિ વિવિધ સંસ્થાઓ અને તેમાંય ઊંડાણના વિસ્તારમાં-ગામડામાં- રચનાત્મક કામ કરતી સંસ્થાઓ તરફ હંમેશા રહેતી. તેઓ સાહિત્યસર્જક નહોતાં. પરંતુ તેમને વિદ્યા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. પારદર્શક પ્રામાણિકતા, શુદ્ધ ન્યાયનિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા, સહૃદયતા, હૃદયની ઋજુતા અને પ્રશંસનીય કાર્યદક્ષતા જેવા ગુણોથી છલોછલ ભરેલા વ્યક્તિત્વ વાળા દાદાસાહેબ હંમેશા દરેકના હ્રદયમાં વસેલા રહેશે.

દાદાસાહેબ દેશ માટે જે કંઈ પણ કરી શક્યા તે ફક્ત તેમની માતૃભક્તિના કારણે જ શક્ય થઈ શક્યું હતું. જાે તેમની માતાએ તેમણે વકીલાત કરવા માટે કહ્યું ના હોત, તો તેઓ કદી દેશ સેવામાં જાેડાઈ શક્યા ના હોત. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો એટલે જ તેમના હ્રદયમાં દેશભક્તિની ભાવનાનો વિકાસ થયો. તેમની માતાના કારણે જ તેઓ પ્રતિષ્ઠા મેળવી શક્યા હતા. આજના યુગમાં બહુ ઓછાં એવા બાળકો હોય છે, જે માતા-પિતાના સપનાને વધુ માન આપતા હોય. અરે, સોમાંથી ભાગ્યે જ દસ બાળક હશે જે પોતાનું સપનું ભૂલીને પોતાના માતા-પિતાના સપનાને સાકાર કરવા માટે મહેનત કરતા હોય છે.

 જાે તમે પણ પોતાના માતા-પિતાની ઈચ્છાને માન આપશો તો તમે પણ દાદાસાહેબની જેમ લોકોના દિલ પર રાજ કરી શકશો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution