પપ્પા, તમે ફક્ત એક જણ નથી મારું આખું વિશ્વ છો...

લેખકઃ દીપક આશર | 

રવિવાર, રજાના દિવસે વિશ્વના ૧૧૧ જેટલા દેશોમાં ફાધર્સ ડે ઉજવાશે. પપ્પા, ડેડ, પિતા, બાપુજી એક એવું વ્યક્તિત્વ જે આમ એકદમ સરળ હોય છે, પણ વ્યક્ત ખુબ ઓછું થાય છે. પરિવારના મોભી, બધી જવાબદારી એના ઉપર આમ છતાં બધી વાતમાં તેમનો નંબર છેલ્લો આવે. તેનામાં પ્રેમ અપાર હોય છે પરંતુ, તે વ્યક્ત થતો નથી. રાત દિવસ સંતાનોને ઉછેરવા જાત ઘસી નાખે, પણ એક શબ્દ ન ઉચ્ચારે. પિતાનો પ્રેમ નાનપણમાં ક્યારેય ના સમજાય, સંતાનો યુવાવયનાં થાય ત્યારે જ સમજે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ થાય કે પિતાને સમજીએ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. કારણ કે મોટાભાગે યુવાનોને તે પિતા થયા પછી અને સંતાનો મોટા થયા પછી જ પિતાનો પ્રેમ સમજાય છે અને ત્યારે એવું બને કે પિતા હયાત હોય પણ ખરા અને ન પણ! આજનો દિવસ પપ્પાના પરિવારપ્રેમને ઓળખી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો છે, ડેડીને થેન્ક્યુ કહેવાનો આજે દિવસ છે.

ગમે તેવા તોફાનમાં ટકી રહેવા તેમનો સહારો પૂરતો હોય છે. પિતા જીવનના વનમાં મજબૂત બાવળ છે, તેમની મૂળો ઊંડે સુધી ખૂંપેલી છે, જેથી સ્થિરતા અને આશ્રય પ્રદાન કરી શકે. આ એ વ્યક્તિ છે જે નિઃશબ્દપણે કામ કરે છે, સંતાનોની દરેક જરૂરિયાત પૂરી થાય એ માટે પરિશ્રમ કરે છે. આજે આપણી વચ્ચે એવા ઘણા પિતા છે જે સૂર્યના ઉગતા પહેલાં ઊઠે છે અને સૂર્ય આથમે ત્યારે પાછા ઘરે આવે છે, એ ક્યારેય એવું નહીં કહે કે, આજે હું થાકી ગયો છું.

પિતાનો પ્રેમ ક્યારેય સંતાનોના ઉછેરમાં વ્યક્ત થતો નથી; તે સમયાંતરે ઝળકે છે. જેમ કે, પહેલી પા, પા, પગલીથી લઈને સાયકલ, સ્કૂટર કે કાર શીખવવા સુધી. સ્કૂલે મૂકવા જવાથી લઈને જાેબ શરૂ ન થાય ત્યાં સુધી સંતાનનું બેલેન્સ જાળવવા સુધી. દિવસ આખો નોકરી કર્યા પછી ટીનએજ સંતાન મોડી રાત્રિના કોઈ પાર્ટીમાં ગયું હોય તો સમયની પર્વ કર્યા વગર તેને લેવા જવા સુધી. એ ફરિયાદ કર્યા વગર બધું જ કરતાં રહે છે. તેમનાં આવાં અનેક બલિદાનો કદાચ આપણને દેખાતા નથી, આપણે તેને રૂટિન ફરજ ગણી લઈએ છીએ. પિતા ક્યારેય શબ્દોમાં “હું તને પ્રેમ કરું છું” કહી શકતા નથી, પરંતુ તે હજારો અલગ અલગ રીતે બતાવે છે.

જ્યારે દુનિયા નિરાંતમાં શાંતિની પળો માણતી હોય છે, ત્યારે પિતા તેમના બાળકોના ભવિષ્યની ચિંતામાં ડૂબેલા હોય છે. તેઓ વિચાર કરે છે કે તેમણે પૂરતું કર્યું છે કે નહીં, તેઓ પોતાના સંતાનો માટે એક પરફેક્ટ ડેડ છે કે નહીં. પિતા એક અનન્ય બોજ વહન કરે છે - મજબૂત રહેવા, ક્યારેય ન ખોવાઈ જવાની તાકાત હંમેશા બરકરાર રાખે છે. આ બાહ્ય મજબૂત દેખાતા વ્યક્તિમાં પણ હૃદય છે જે અન્ય કોઈની જેમ જ નમ્રતા અને સંવેદનશીલતાથી ધબકતું રહે છે.

એક વાત કહું, જાે હજુ સુધી તમે આમ જ જીવ્યાં હોવ તો આજે જ તમારા પપ્પાને હમણાં જ જઈને ભેટી લો. એમને કહી દો, પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારામાં રહેલું છે. અહીં હું મમ્મીની વાત નથી કરતો કારણ કે ઈશ્વર, ઈશ્વર હોય છે, એની ગણતરી ના કરી શકાય.

પપ્પા, તમારામાં આટલા બધા જણ છે એની મને બહુ મોડી ખબર પડી. બાળપણમાં મને તો એમ જ હતું કે ઈશ્વર ફક્ત મંદિરમાં જ હોય છે. હવે સમજાય છે કે ઈશ્વર મંદિરમાં નહીં ઘરમાં હોય છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારા સર્વસ્વ છો. સાચું કહું, તો તમે જ મારા ઈશ્વર છો.

પપ્પા, હું નાનપણમાં મમ્મીને પૂછતો કે ‘હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કહેતી કે ઈશ્વરની પાસે નાના બાળકોની દુકાન છે. એ દુકાનમાં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકોમાંથી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયામાં આવ્યો.

પપ્પા, હું તમારી દુનિયામાં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. મને યાદ છે - મારાં દરેક જન્મદિવસે તમે અને મમ્મી કેક લાવતાં હતા. આજુબાજુમાંથી મારા ફ્રેન્ડ્‌સને બોલાવતાં હતા. કેક પર કેન્ડલ મૂકી મને ફૂંક મારવાનું કહેતાં હતા. હું જયારે કેન્ડલ ફૂંક મારીને બુઝાવતો હતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડીને ખુશ થતાં હતા. ત્યારે હું નાસમજ હતો. હું આ ઉજવણીથી ખુશ થઈ જતો હતો, પણ હવે સમજાય છે કે ઉજવણી તો મારી આજુબાજુમાં હતી. પપ્પા, આજે એ ઉજવણી મારે કરવી છે.

પપ્પા મને યાદ છે. હું તમારા સારા સંસ્કારો લઈને ભણીગણીને મોટો થયો, સારા પદ પર મોટો અધિકારી બન્યો એ પછી તમે મારા વિઝિટિંગ કાર્ડ મારી પાસેથી લઈ જતા હતા. અને એ પણ એક બે નહીં, પચાસ-સો કાર્ડ મારી પાસે માગતાં હતા. એ વખતે હું હસતાં હસતાં એવું પૂછતો હતો - તમારે આટલાં બધાં વિઝિટિંગ કાર્ડ શું કરવા છે? આટલાં કાર્ડ તો હું પણ કોઈને આપતો નથી. પપ્પા, એ તો જ્યારે હું આપણાં ગામ ગયો ત્યારે મને ખબર પડી કે તમે મારા વિઝિટિંગ કાર્ડ આખા ગામને આપતાં હતા અને છાતી ફુલાવીને બધાને કહેતાં હતા - જૂઓ આ મારો દીકરો છે. સાહેબ બની ગયો છે.

પપ્પા, આજ સુધી તમે મને ખૂબ જ સુંદર વિશ્વ દેખાડ્યું છે. કારણ કે, આ વિશ્વ મેં તમારો હાથ પકડીને અને ક્યારેક તમારા ખભ્ભા ઉપર બેસીને જાેયું છે. મેં તમને જ ફોલો કર્યા છે. એવું કહેવાય છે કે આ દુનિયામાં બધા પ્રકારના લોકો છે, પણ મેં હંમેશા તમારી નજરથી જ આ દુનિયા જાેઈ છે, મને દૂર દૂર સુધી કંઈપણ ખરાબ દેખાતું નથી.

પપ્પા, આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણમાં હતો. મને એમ હતું કે જ્યારે હું ડાઉન થઈ જતો, ફેલ્યોરનો સામનો કરતો, રિજેકશન આવતું ત્યારે તમે મારી સાથે ચાલતા હતા. પણ, આજે એવું લાગે છે કે, તમે મારી સાથે ત્યારે જ ચાલતાં ન હતા, આજે પણ મને ઊંચકીને ચાલો છો. પપ્પા, હું ગમે તેટલો મોટો થઈ જાઉં તમારાં માટે હજુ એ જ નાનકો છું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution