વડોદરા, તા.૧૬
વાઘોડિયા વિધાનસભાની બેઠક ઉપર સતત છ ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવતાં નારાજગી સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. જાે કે, ભાજપે ડેમેજ કંટ્રોલ માટે તેમને મનાવવાની શરૂઆત કરી હતી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી આવ્યા હતા. જાે કે, મધુ શ્રીવાસ્તવ સાળંગપુર હોવાથી મળ્યા નહીં હોવાનું કહેવાતું હતું. જાે કે, મધુ શ્રીવાસ્તવે કાર્યકરો અને કમિટી જે નિર્ણય લેશે તે મુજબ ઉમેદવારી કરવી કે નહીં તેનો નિર્ણય લેશે તેમ કહ્યું હતું અને બાદમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
મળતી માહિતી મુજબ આજે બપોરે વડોદરા એરપોર્ટ પર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું મધુ શ્રીવાસ્તવને મળવા માટેનું તેડું આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ મધુ શ્રીવાસ્તવને લઈને એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં બેઠકના અંતે મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે નિષ્ફળતા મળી હતી. બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ચૂંટણીલક્ષી કોઈ વાત થઈ નથી. બીજી ચર્ચા થઈ, પરંતુ તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. આમ, ભાજપને કરજણમાં ડેમેજ કંટ્રોલ માટે સફળતા મળી છે, તો વાઘોડિયા અને પાદરામાં નિષ્ફળતા મળી છે. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.