દિલ્હી-
ભારતમાં આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે તે વચ્ચે હવે આગામી દિવસોમાં વધુ વધારા માટે પણ તૈયાર રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલનો ભાવ 70 ડોલરની આસપાસ થઈ ગયો છે. અમેરિકામાં ક્રુડતેલનો સ્ટોક ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવવધારો થયો છે. ભારતની દ્રષ્ટીએ જોઈએ તો દેશમાં ક્રુડતેલનો ખરીદ ભાવ રૂા.4925 પ્રતિ બેરલ જેવો નોંધાયો છે જે રૂા.83નો ઉછાળો દર્શાવે છે. બ્રેન્ટ ક્રુડ કે જે ભારતીય બાસ્કેટનું ક્રુડતેલ ગણવામાં આવે છે તેનો ભાવ 69.46 ડોલર પ્રતિ બેરલ નોંધાયો છે જે છેલ્લા સાત સપ્તાહની સૌથી ઉંચી સપાટીએ છે. દેશમાં વિધાનસભા ચૂંટણીઓને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમય સુધી સ્થિર રાખવામાં આવ્યા હતા પરંતુ હવે ચૂંટણીઓ પુરી થતા છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં તે નવી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચશે તેવા સંકેત છે.