૧૯મી જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧૦માં ખામી સર્જાઈ હતી. જેની ભારત સહિત અસર સમગ્ર વિશ્વમાં જાેવા મળી હતી. વિશ્વભરમાં ફ્લાઇટના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા તો અનેક કચેરીઓમાં કામગીરી પર અસર થઇ હતી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઈંગ્લેન્ડમાં એરલાઈન્સ, એટીએમ, બેંકિંગ અને કોર્પોરેટ કંપનીઓની કામગીરી બંધ થઇ હતી. બ્રિટનમાં તો ટેલિવિઝન પ્રસારણ ખોટકારી ગયું હતું. ટેક્નિકલ ભાષામાં આ ગ્લિચને મેગા આઈટી આઉટેજ કહેવાય છે. પરંતુ આ સમસ્યા સર્જાઈ હ્લિ રીતે તે જાણવું ખુબ જ જરૂરી છે.
આ મેગા આઇટી આઉટરેજના કારણે વિશ્વભરમાં વિન્ડોઝ-૧૦ યુઝર્સની સિસ્ટમ ક્રેશ થઇ હતી. આ ગ્લિચને કારણે યુઝર્સની સિસ્ટમ અચાનક બંધ થઇ હતી અથવા બ્લુ સ્ક્રીન આવી ગઈ હતી. જેને બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એરર પણ કહેવાય છે. આ પરિસ્થિતિમાં યુઝર કોમ્પ્યુટર પર કોઈ જ કામગીરી કરી શકતા નથી.
બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એટલે શું?
માઈક્રોસોફ્ટની વિન્ડોઝ ૧૦માં આવેલા ગ્લિચને કારણે યુઝર્સની સ્ક્રીન પર બ્લુ સ્ક્રીન આવી ગઈ હતી. જેને બ્લુ સ્ક્રીન ઑફ ડેથ પણ કહેવામાં આવે છે. જે ખુબ જ ગંભીર ગ્લિચ માનવામાં આવે છે જે વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ્સ પર દેખાય છે. આ સ્થિતિ ત્યારે જ સર્જાય છે જયારે કોઈ ગંભીર સમસ્યાથી સિસ્ટમ ક્રેશ થાય. જેનો અર્થ એ થાય છે કે, સિસ્ટમ સુરક્ષિત નથી. આ સ્થિતિમાં સિસ્ટમ જાતે જ રિસ્ટાર્ટ થાય છે અને ડેટા લોસની પણ સંભાવના રહે છે.
ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટના કારણે સિસ્ટમ ક્રેશ થઇ
સિસ્ટમને સાયબર હુમલાથી કે વાયરસથી બચાવવા માટે વિન્ડોઝ દ્વારા ક્રાઉડસ્ટ્રાઈક નામના સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે. જે એક જાણીતું એન્ટીવાયરસ સોફ્ટવેર છે. જેનો ઉપયોગ ભારત સહિત વિશ્વભરની મોટી કંપનીઓ દ્વારા સુરક્ષા માટે કરાય છે. ૧૮ જુલાઈ ગુરુવારે રાતના સમયે ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા અપડેટ અપાયું હતું. જે અપડેટના કારણે જ વિન્ડોઝમાં ક્ષતિ સર્જરી અને સિસ્ટમ ઠપ્પ થઇ હતી. જાેકે, જે યુઝર દ્વારા અપડેટ ઇન્સ્ટોલ કરાયું હતું તેની જ સિસ્ટમ ક્રેશ થઇ હતી. ભારત સહિત વિશ્વભરમાં એરલાઇન્સની બુકિંગ અને ચેક-ઇન સેવા માટે વિન્ડોઝ ૧૦નો જ ઉપયોગ કરાય છે. જેમાં ઇન્સ્ટોલ થયેલા ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટના કારણે તે સેવા ઠપ્પ થઇ હતી.
એરપોર્ટ અને ઈન-ફ્લાઇટ સેવામાં માઈક્રોસોફ્ટનો શું ઉપયોગ?
એરપોર્ટ અને ઈન-ફ્લાઇટ સેવાઓ માટે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે એરપોર્ટ પર તેની ભૂમિકા વિષે વાત કરીએ તો એરપોર્ટ મેનેજર સિસ્ટમ, મુસાફરોના અનુભવ અને સુરક્ષા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે માટે માઈક્રોસોફ્ટ અઝુર, ડાયનેમિક્સ ૩૬૫, પાવર એપ્સ તેમજ એઆઈ સંચાલિત કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જયારે ઈન-ફ્લાઇટ સર્વિસમાં ફ્લાઇટમાં મનોરંજન, ક્રુ ટેબ્લેટ માટે તેનો ઉપયોગ કરાઈ છે. જેમાં માઈક્રોસોફ્ટ અઝુર, વિન્ડોઝ, માઈક્રોસોફ્ટ સરફેસ ટેબ્લેટ, વિન્ડોઝ અને એવિએશન એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
અંતે ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા અપડેટ હટાવાયું
જાણીતા એન્ટીવાયરસ સોફ્ટવેર ક્રાઉડસ્ટ્રાઈક કંપની દ્વારા આપવામાં આવેલા અપડેટના કારણે સમગ્ર વિશ્વમાં મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. જેની જાણ થતાની સાથે જ ક્રાઉડસ્ટ્રાઈક કંપની દ્વારા વેબસાઈટ પર મુકવામાં આવેલું અપડેટ હટાવી દીધું હતું. જાેકે, કંપની દ્વારા હજુ સ્પષ્ટ કરાયું નથી કે, જે યુઝર્સ દ્વારા અપડેટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેમને ડીગ્રેડ થવા માટે શું કરવું? અથવા તો કંપની દ્વારા નવું અપડેટ ક્યારે આપવામાં આવશે, જેમાં ગ્લિચ ન હોય.
હવાઈ સહિત અન્ય અનેક સેવાઓ પણ ઠપ્પ થઇ હતી
ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટના કારણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમને સુરક્ષા આપવાના સ્થાને સિસ્ટમ ઠપ્પ થઇ ગઈ હતી. માઇક્રોસોફ્ટની બે મુખ્ય સેવાઓ છે. જેમાં અઝુર અને ઓફિસ ૩૬૫નો સમાવેશ થાય છે. જે સૌથી વધારે પ્રભાવિત થઈ હતી. આ બન્ને પ્લેટફોર્મનો ઉપયોગ એરલાઇન્સ ઉપરાંત શોપિંગ મોલ્સ, બેંકિંગ, ટિકિટ બુકિંગ જેવી અનેક કંપની દ્વારા કરવામાં આવે છે. જેને પણ અસર પહોંચી હતી.
મુશ્કેલી નિવારણમાં સૌથી મોટો પડકાર શું છે?
ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટના કારણે સર્જાયેલી સ્થિતિમાં સિસ્ટમ બંધ થઇ અથવા બ્લુ સ્ક્રીન આવી ગઈ હતી. જેના કારણે સિસ્ટમ ક્રેશ થયા હતા. આવી સ્થિતિમાં, વિશ્વભરમાં લખો યુઝર્સના સિસ્ટમનો રિમોટ એક્સેસ લેવો અને તેના થકી સિસ્ટમ રીપેર કરવી ક્રાઉડસ્ટ્રાઇક માટે મોટો પડકાર છે. કારણ કે, એક વખત ક્રેશ થયેલા સિસ્ટમ પર રીપેર કરાયેલું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું અશક્ય નથી પરંતુ ઘણું મુશ્કેલ તો છે જ. જાે આ કામ કંપની દ્વારા જાતે કરવામાં આવે તો મહિનાઓ લાગી જશે અને તેટલો સમય યુઝર્સને હેરાન થવું પડશે તે નક્કી છે.