માર્ચમાં જ ૪૦૦ને પાર

વડોદરા, તા.૨૭

હજી તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યાં કાળઝાળ ગરમી સાથે આજે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર પહોંચતા પરસેવે રેબઝેબ થઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હજી ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ માર્ચ મહિનામાં આટલી ગરમી છે તો એપ્રિલ- મેમાં ગરમી ક્યાં પહોંચશે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે. આકરી ગરમીના કારણે તેની સીધી અસર બપોરના સમયે માર્ગો પર જાેવા મળી રહી છે.

આ વખતે ઉનાળો વધુ આકરો રહે તેવી શક્યતા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી એકાએક ગરમીનો પારો વધતા માર્ચ મહિનાના આખરી દિવસોમાં જ આટલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારથી જ સૂર્ય દેવતા અગનગોળા વરસાવતા મહત્વના કામ સિવાય લોકો ધરો તેમ જ ઓફિસોની બહાર જવાનું ટાળી રહેલા જાેવા મળ્યા હતા.તેમાય આજે મહત્તમ તાપમાનનો પારો વધીને ૪૦.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને ૨૩.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો.

જાેકે, બપોરના સમયે લૂ લાગે તેવા પવનના કારણે આકરી ગરમીની સીધી અસર માર્ગો પર જાેવા મળી હતી. ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર શેરડીના કોલા, છાસ, લસ્સી તેમજ કોલ્ડ્રિંક્સના સ્ટોલ તેમજ હાટડીઓ ખુલી ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે કમાટીબાગ ઝૂ ખાતે પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાડવાની સાથે સમયાંતરે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે માર્ચ મહિનામાં પારો ૪૦ ડિગ્રી પાર કરી ગયો છે. તો મે મહિનામાં ગરમી ક્યાં પહોંચશે તેની ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા, જે સાંજે ૨૬ ટકા અને હવાનુ દબાણ ૧૦૦૯.૬ મિલિબાર્સ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૫ કિ.મી. નોંધાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution