સરકારી સસ્તા અનાજના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 8 આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપ્યા

અમદાવાદ-

રાજ્યમાં સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચની ટીમે કર્યો છે. જેમાં મુખ્ય આઠ આરોપીને ઝડપી પાડ્યા છે. જો કે આ કૌંભાડમાં સામેલ 49 લોકોના સામે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે. જો કે કૌભાંડમાં કોઈ સરકારી બાબુઓ પણ સામેલ છે કે કેમ તે અંગે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે.

રાજ્યમાં સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજનો કૌંભાડ ચાલી રહ્યા હોવાની ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી જેના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા અને કૌભાંડના મુખ્ય આરોપી રફીક મહેસાણીયા, જાવેદ રંગરેજ, લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા આ આરોપીઓને સસ્તા અનાજને સગેવગે કરવાનો આઈડિયા આવ્યો અને તેમણે ગેમસ્કેમ અને સેવડેટા નામના સોફ્ટવેર બનાવી સરકારી અનાજની દુકાનમાંથી અનાજ ના ખરીદતા હોય તેવા ગ્રાહકોને પોતાના ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડોમાં કૌભાંડને અંજામ આપતા હતા. જો કે આ ષડયંત્ર એટલું મોટું થઈ ગયું હતું કે સંખ્યાબંધ લોકો આ કૌભાંડનો હિસ્સો બની ગયા. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન રૂપિયા 70,000માં બનાવી આપી હતી. તેની સાથે એમએસસી આઈટી માં અભ્યાસ કરતો દિપક ઠાકોર પણ જોડાયો હતો. આ તમામ આરોપીઓ સોફ્ટવેરના માધ્યમમાંથી સસ્તું અનાજ મેળવતા ગ્રાહકોના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામું, ચાર અલગ અલગ ફિંગરનો ડેટા મેળવી લેતા હતા. ગ્રાહકની આ તમામ વિગતો મેળવીને સસ્તા અનાજનો બારોબર સોદો કરી દેવામાં આવતો હતો.

સસ્તા અનાજના ષડ્યંત્રમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન સોફ્ટવેરમાંથી 35962 એન્ટ્રીઓ મળી આવી છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ આચરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેથી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા 49 આરોપીઓ ઉપરાંત પડદા પાછળ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા ક્રાઇમ બ્રાન્ચ સેવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution