અમદાવાદ-઼
કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પણ હજારો લોકો વલખા મારી રહ્યા છે. તેવામાં અનેક લાલચુ લોકો પરિસ્થિતીમાં પણ પોતાનાં આર્થિક લાભ માટે ગેરરિતી કરી રહ્યા છે. અમદાવાદનાં એરપોર્ટ વિસ્તારમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતા શખ્સની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ઈન્જેક્શનની કાળા બજારી અટકાવવા આપેલા સુચનો અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં હતી ત્યારે ટીમને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતો જસ્ટીન પરેરા નામનો શખ્સ ઈન્જેક્શનની કાળાબજારી કરે છે. જેથી ક્રાઈમબ્રાન્ચે બોગસ ગ્રાહક ઉભો કરે તેને ભાઈની સારવાર માટે 3 રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર છે તે રીતે આરોપીને સંપર્ક કર્યો હતો. આરોપીએ 5400 ની એમઆરપીનાં ઈન્જેક્શન 8500 રૂપિયામાં આપવાનું કહીને ત્રણ ઈન્જેક્શનનાં 25 હજાર 500 રૂપિયા લીધા હતા. જે બાદ બીજા દિવસે એરપોર્ટ વિસ્તારમાં ટર્મીનલ એકનાં પાંચ નંબરના ગેટ પાસે આવીને ઈન્જેક્શનની ડિલિવરી આપતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી 1.89 લાખની કિંમતનાં 39 રેમડેસિવિર ઈન્જેક્શન કબ્જે કર્યા હતા. અગાઉ આરોપીએ દિલ્હીથી અગાઉ 358 ઈન્જેક્શનની ખરીદી કરી લાવી તેને અમદાવાદ અને અન્ય રાજ્યોમાં ઉંચા ભાવે વેચી દિધા છે. આ મામલે ક્રાઈમબ્રાંચે અન્ય આરોપીની તપાસ શરૂ કરી છે.